Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કોરોના બાદ હવે ડેંગ્યુનો ખાત્મો કરશે મોદી સરકાર

૯ રાજ્યોમાં સેન્ટ્રલ ટીમો મોકલાય : દિલ્હીમાં ડેંગ્યુના ૧૫૦૦થી વધુ કેસ

નવી દિલ્હી તા. ૩ : કોરોનાના કહેર બાદ દેશના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડેન્ગ્યુને કાબુમાં લેવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે  નિષ્ણાતોની કેન્દ્રીય ટીમોને નવ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડેન્ગ્યુના પ્રકોપને પહોંચી વળવા માટે જાહેર આરોગ્યના પગલાં સહિત ટેકનિકલ માર્ગદર્શન આપવા માટે મોકલી છે. હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં ડેન્ગ્યુના વધુ કેસોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

નિષ્ણાત ટીમોમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને મચ્છરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્ર આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અને નવ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે.

ડેન્ગ્યુના પ્રકોપને પહોંચી વળવા માટે જાહેર આરોગ્યના પગલાં સહિત ટેકનિકલ માર્ગદર્શન આપીને રાજય સરકારોને મદદ કરવા માટે કેન્દ્રીય ટીમો તૈનાત કરવાનો સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમાં જણાવાયું છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવને ઉચ્ચ ડેન્ગ્યુના કેસો ધરાવતા રાજયોની ઓળખ કરવા અને નિષ્ણાતોની ટીમ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

આરોગ્ય મંત્રીએ રોગના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યુના ૧,૫૩૦ થી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી, ઓકટોબરમાં લગભગ ૧,૨૦૦ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં આ મહિનામાં સૌથી વધુ કેસ છે.

(11:28 am IST)