Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સુપ્રીમ કોર્ટના ન્‍યાયધીશ ડી.વાય.ચંદ્રચુડે જેલ સતાધીશોને જામીનના આદેશો મોકલવામાં વિલંબને ખુબ જ ગંભીર ભુલ ગણાવી

નવી દિલ્‍હી :  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જેલ સત્તાધીશોને જામીનના આદેશો મોકલવામાં વિલંબને “ખૂબ જ ગંભીર ભૂલ” ગણાવી છે અને “યુદ્ધના ધોરણે” આ સમસ્યાનું સમાધાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, કહ્યું છે કે આ સમસ્યા દરેક અન્ડરટ્રાયલ કેદીની “સ્વતંત્રતા” પર અસર કરે છે. ન્યાયાધીશ ચંદ્રચુડે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ‘ઈ-સેવા કેન્દ્રો’ અને ડિજીટલ કોર્ટના ઉદઘાટન માટે આયોજિત એક ઓનલાઈન ફંક્શનમાં કહ્યું હતું કે, “ગુનાહિત ન્યાય પ્રણાલીમાં સૌથી ગંભીર ખામી જામીનના આદેશોના સંચારમાં છે. ત્યાં વિલંબ થઈ રહ્યો છે અને આ સમસ્યાનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવવાની જરૂર છે, કારણ કે તે દરેક અન્ડરટ્રાયલ કેદી અથવા તો જે કેદીની સજા સ્થગિત કરવામાં આવી છે તેની સ્વતંત્રતાને અસર કરે છે.”

તેમણે કહ્યું, “આ પ્રમાણપત્ર આપણને પ્રારંભિક કસ્ટડીથી તે ચોક્કસ અંડરટ્રાયલ કેદી અથવા દોષિતના કેસમાં અનુગામી પ્રગતિ સુધીના તમામ જરૂરી ડેટા પ્રદાન કરશે. આનાથી આપણને એ સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે કે જામીનના આદેશો જાહેર કરવામાં આવે કે તરત જ તેની જાણ કરવામાં આવે.”

ન્યાયાધીશ ચંદ્રચુડે ડિજિટલ કોર્ટના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ટ્રાફિક સંબંધિત ચલણોના નિર્ણય માટે આ કોર્ટોની 12 રાજ્યોમાં સ્થાપના કરી છે. તેમણે કહ્યું “દેશભરમાં 99.43 લાખ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. કુલ 18.35 લાખ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ દંડની રકમ 119 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લગભગ 98,000 આરોપીઓએ કેસ લડવાનું નક્કી કર્યું છે.”

તેમણે કહ્યું, “હવે તમે જાતે જ કલ્પના કરી શકો છો કે જે સામાન્ય નાગરિકનું ટ્રાફિક ચલણ કાપવામાં આવ્યું છે, તેના કામમાંથી રજા લેવી અને ટ્રાફિક ચલણ ભરવા માટે કોર્ટમાં જવું તે ઉપયોગી નથી.” જસ્ટિસ ચંદ્રચુડે દેશને કહ્યું. રાજ્યમાં જિલ્લા કોર્ટોમાં 2.95 કરોડ ફોજદારી કેસ પેન્ડિંગ છે અને 77 ટકાથી વધુ કેસો એક વર્ષથી વધુ જૂના છે. “ઘણા ફોજદારી કેસો પેન્ડિંગ છે કારણ કે આરોપીઓ વર્ષોથી ફરાર છે.”

તેમણે ઉમેર્યું હતું કે, ફોજદારી કેસોના નિકાલમાં વિલંબનું મુખ્ય કારણ ખાસ કરીને જામીન મળ્યા પછી આરોપીઓનું ફરાર થવું છે અને બીજું કારણ, ટ્રાયલ દરમિયાન ફોજદારી સુનાવણી વખતે પુરાવા રેકોર્ડ કરવા માટે સત્તાવાર સાક્ષીઓનું હાજર ન રહેવું. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “આપણે અહીં માહિતી અને સંચાર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીમાં અમે અત્યારે આના પર કામ કરી રહ્યા છીએ.”

(10:57 pm IST)