Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ડ્રેગન બહારની મુશ્‍કેલીઓની સાથે સાથે આંતરીક મુશ્‍કેલીથી ઘેરાતું જાય છે

કંપનીઓ વીજ સંકટથી પરેશાન ચાઇના છોડી રહી છે

નવી દિલ્‍હી : ચીનમાં કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે બીજી અનેક મુશ્કેલીઓ પણ મોઢું ફાડીને ઉભી થઇ છે. ડ્રેગન બહારની મુશ્કેલીઓની સાથે સાથે આંતરિક પરેશાનીઓથી પણ ઘેરાતું જાય છે. એક તરફ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન ક્વાડ દ્વારા ચીનને સતત ઘેરી રહ્યા છે. તો બીજી તરફ શહેરોમાં લોકોને ફૂડ કટોકટી અને વીજ સંકટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિશ્વની ટોચની આઇટી કંપનીઓએ ચીનની ડિજિટલ સેન્સરશિપને કારણે પહેલેથી જ પોતાની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. તેવામાં હવે જાયન્ટ કંપની યાહૂએ ચીનમાં પોતાની સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચીનની સરકારે પોતાના દેશમાં ચાલી રહેલી કંપનીઓ પર પોતાનું નિયંત્રણ વધારવાનું શરૂ કરી દીધું છે. આ કારણે જ યાહૂએ આટલું મોટું પગલું ભર્યું હોય તેમ મનાઇ રહ્યું છે. ચીનમાં પોતાની સર્વિસ બંધ કર્યા બાદ કંપનીએ કહ્યું કે તે ઇન્ટરનેટ પર સ્વતંત્ર સેવા આપવા માટે કટિબદ્ધ છે. મહત્વનું છે કે આ પહેલાં ગૂગલ પણ ચીનમાં પોતાની સર્વિસ બંધ કરી ચૂક્યું છે. માઈક્રોસોફ્ટનું નિકાસ સબંધિત પ્લેટફોર્મ લિન્ક્ડીન પણ જલદી જ પોતાની સર્વિસ બંધ કરવા જઇ રહ્યું છે.

બીજી તરફ ચીનમાં હાલમાં ડીઝલ માટેની મુશ્કેલીઓ છે અને તેનું કારણ શી જિનપિંગનું જિદ્દી વલણ છે. જ્યારે ચીનમાં કોલસાની અછતને કારણે વીજળીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાએ કોલસો ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ દુશ્મનીને કારણે ચીને ઓસ્ટ્રેલિયાનો કોલસો ખરીદ્યો નહિ અને પોતાને ત્યાં સ્ટોકમાં રહેલા ડીઝલ દ્વારા વીજળીનું ઉત્પાદન કર્યું. હવે એની અસરને કારણે ચીનમાં ડીઝલ મળતું નથી.

હુબેઈ પ્રાંતના શિજિયાઝુઆંગ શહેરમાં હાલમાં ડ્રાઈવરને તેમના ટ્રકમાં માત્ર સો લિટર ડીઝલ લઈ જવાની છૂટ છે. જે ટ્રકની ક્ષમતાના ફક્ત 10 ટકા જ છે. ચીનના ફુયાંગ શહેરના ડ્રાઇવરોનું કહેવું છે કે અહીંના ડીઝલ સ્ટેશન પર એક સમયે માત્ર 300 યુઆન એટલે કે સાડા ત્રણ હજાર રૂપિયાનું ડીઝલ ભરવામાં આવતું હતું. ચીનના શહેરોના ઘણાં સ્ટેશનો પર ડીઝલ સમાપ્ત થઈ ગયું છે. પરિણામે ટ્રકચાલકોનો આખો દિવસ ડીઝલ પુરાવવામાં જ પસાર થઈ જાય છે. આમ ચીન હાલ ચોતરફી મુશ્કેલીઓથી ઘેરાયું છે.

(12:14 am IST)