Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દેશભરની સ્કુલો માટે એકસમાન પાઠયક્રમ બનાવવા ભલામણ

CBSE - ICSC અને રાજ્ય શિક્ષણ બોર્ડમાં વ્હેંચાયેલ શાળાકીય શિક્ષણને એક જેવું સ્વરૂપ આપો : સંસદીય સમિતિ : આવું કરવાથી શિક્ષણમાં એકરૂપતા આવશે અને બધા જ છાત્રોનું એક જ શૈક્ષણિક સ્ટાન્ડર્ડ રહી શકશે

નવી દિલ્હી તા. ૨ : સીબીએસઇ, આઇસીએસસી અને રાજ્ય શિક્ષણ બોર્ડોમાં વહેંચાયેલ શાળા શિક્ષણને એક જેવું સ્વરૂપ આપવા માટે સંસદની સ્થાયી સમિતી દેશભરની શાળાઓ માટે એક સમાન (કોમન) અભ્યાસક્રમ વિકસીત કરવાનું સુચન કર્યું છે. સાથે જ શિક્ષણ મંત્રાલયને કહ્યું છે કે તે આના સાથે રહેલ શકયતાઓ પર કામ કરે. શાળાઓમાં ભણાવાતા બધા વિષયોને તેમાં સામેલ કરવા જોઇએ. સમિતિનું કહેવું છે તેનાથી શાળાકીય શિક્ષણમાં એકરૂપતા આવશે અને દેશભરના બધા વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક સ્ટાન્ડર્ડ રહેશે.

ભાજપા સાંસદ ડોકટર વિનય સહસ્ત્રબુધ્ધેની આગેવાનીવાળી શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિએ શાળાકીય શિક્ષણ બાબતે આ મહત્વની ભલામણ એવા સમયે કરી છે, જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. તેના હેઠળ શાળાઓ માટે નવા અભ્યાસક્રમો અને પાઠયપુસ્તકો પણ તૈયાર થવાના છે. જો કે તે પહેલા જ સમિતિની 'શાળાકીય પાઠયપુસ્તકોની વિષયવસ્તુ અને ડીઝાઇનમાં સુધારા' સંબંધમાં આ ભલામણ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમકે વર્તમાન સમયમાં દેશમાં અલગ-અલગ શિક્ષણ બોર્ડો સાથે જોડાયેલી શાળાઓ છે. એટલે આ શાળાઓમાં એક સરખો પાઠયક્રમ નથી.

સમિતિ સાથે જોડાયેલા સભ્યોનું માનીએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હેઠળ જ્યારે શાળાઓ માટે નવા પાઠયક્રમ તૈયાર થવાના જ છે તો પછી આ ભલામણો પર પણ વિચાર કરી શકાય છે. સંસદીય સમિતિએ આ સાથે જ શાળાઓમાં ભણાવાતી ઇતિહાસની વિષયવસ્તુ તૈયાર કરવામાં પૂર્ણ સતર્કતા સાથે કામ કરવાની જરૂરીયાત પર ભાર મુકયો છે. સમિતિએ પોતાની ભલામણોમાં લગભગ ૨૫ પોઇન્ટ સામેલ કર્યા છે.

પાઠય પુસ્તકોમાં શાળાના બાળકોને ઇન્ટરનેટની લત અને નશા પ્રત્યે જાગૃત કરવા સાથે સંકળાયેલ પાસાઓને સામેલ કરવાની ભલામણ કરાઇ છે. સમિતિએ શાળાના પાઠયપુસ્તકોમાં મહિલાઓ અને છોકરીઓના ઓછા પ્રતિનિધિત્વ બાબતે પણ સવાલ ઉઠાવ્યા અને વિકસીત કરાઇ રહેલ પાઠયપુસ્તકોમાં મહિલાઓના યોગદાનને આગળ લાવવાનું સૂચન કર્યું છે. તેનાથી છોકરીઓમાં આત્મ સન્માન અને આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવામાં મદદ મળશે. સમિતિએ શાળાઓમાં ટેકનીકનો વધારેને વધારે ઉપયોગ કરવા પર પણ ભાર મૂકયો છે.

(12:00 am IST)