Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોના કાળ વચ્ચે કાશ્મીરમાં સૌથી વધુ પર્યટકો પહોંચ્યા

છેલ્લા ૭ વર્ષનો તૂટયો રેકોર્ડ

શ્રીનગર, તા.૩: દેશમાં છેલ્લા ૨ વર્ષથી લોકો કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનાનાં નવા ડેલ્ટા વેરિઅન્ટનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના પરિજનને ખોયા છે. જો કે તેની અસર જયારે ઓછી થઇ ત્યારે દ્યરનાં માહોલમાં કંટાળી ગયેલા લોકોએ દેશનાં અલગ-અલગ પ્રવાસન સ્થળોએ જવાનું શરૂ કર્યુ હતુ. જેમા સૌથી વધુ કાશ્મીરમાં લોકોએ જવાનું પસંદ કર્યુ હતુ.

J&K સરકારનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે નવેમ્બરમાં કુલ ૧,૨૭,૬૦૫ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જે છેલ્લા સાત વર્ષમાં આ મહિનાનાં તમામ આંકડા કરતા વધુ છે. અધિકારીઓ પર્વતીય કેન્દ્રશાસિત પ્રદેશમાં શિયાળાની ઋતુ માટે વિવિધ ઉત્સવોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. અધિકારીનાં જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૨૦માં ૬,૩૨૭ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જે હાલનાં આશરે ૧,૨૭,૦૦૦નું આંકડા કરતા ઘણી ઓછી છે. ANI સાથે વાત કરતા, ડો. જીએન ઈટુ, નિયામક, પ્રવાસન કાશ્મીરે જણાવ્યું હતું કે, એલજીની સૂચના પર, અમે હાઉસબોટ ફેસ્ટિવલ, સૂફી ફેસ્ટિવલ જેવા કેટલાક પ્રતિષ્ઠિત ઉત્સવોનું આયોજન કર્યું છે જેમાં રાષ્ટ્રીય સ્તરની હસ્તીઓએ હાજરી આપી હતી અને સાહિત્યિક ઉત્સવ પણ સામેલ હતા. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. તેથી જ વિશ્વભરનાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેવાનું પસંદ કરે છે. નવેમ્બરમાં લગભગ ૧,૨૭,૦૦૦ અને ઓકટોબરમાં લગભગ ૯૩,૦૦૦ પ્રવાસીઓ આવ્યા છે. છેલ્લા ૭ વર્ષમાં આ પ્રથમ વખત છે કે ઓકટોબર અને નવેમ્બરમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. ઇટુએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોવિડ-૧૯ની બીજી લહેર પછી પ્રવાસીઓને આકર્ષવા માટેનાં અન્ય પગલાની સાથે કાશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દેશમાં રોડ શો સહિતનાં જોરદાર અભિયાનનું પરિણામ છે. વિભાગે કોવિડ-૧૯ની પ્રથમ લહેર પછી જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. અમે દેશમાં લગભગ ૨૧ રોડ શો કર્યા છે. જયારે બીજી લહેર દેશમાં આવી, ત્યારે અમે ટ્રસ્ટ તરીકે પ્રવાસ અને પ્રવાસી સમુદાયનાં તમામ સભ્યોને રસી આપી.

કાશ્મીરમાં પ્રવાસીઓએ તોડ્યો રેકોર્ડ

પાનખરમાં વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષયા બાદ શિયાળાની ઋતુ માટે સરકારની ભાવિ યોજનાઓ વિશે વાત કરતાં ડિરેકટરે કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ અને ક્રિસમસને મોટા પાયે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. અમે શિયાળાની ઋતુ માટે કેટલીક પહેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમારી પાસે ૧૧મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે. તે મોટા પાયે ઉજવવામાં આવશે કારણ કે કાશ્મીરમાં પહાડી પર્યટન પણ એક મોટું આકર્ષણ છે. અમે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન સ્નો કાર્નિવલનું આયોજન કર્યું છે. તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે વધુ પ્રવાસીઓ આવશે. ANI સાથે વાત કરતા, ડલ સરોવરનાં પર્યટક નીતાએ કાશ્મીરને સ્વર્ગ ગણાવ્યું અને કહ્યું કે લોકોએ જીવનમાં ઓછામાં ઓછું એકવાર કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ.

(10:12 am IST)