Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાના ડેલ્ટા - બીટા વાયરસની સરખામણીએ ૫૦૦ ટકા ઝડપથી ફેલાય છે ઓમિક્રોન

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નોંધાયેલા કુલ કેસ પૈકી ૫૦ ટકા કેસમાં બીટા વેરિયન્ટ અને ૭૫ ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં ૧૦૦ દિવસનો સમય લાગ્યો હતો પરંતુ ઓમિક્રોનના ૮૦ ટકા કેસમાં માત્ર ૧૦ દિવસમાં જ મળવાનું શરૂ થઇ ગયું છે

નવી દિલ્હી તા. ૩ : વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા સંકટે ફરી એકવાર માનવીય બેદરકારીની પોલ ખોલી નાખી છે. ૧ ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૩૭ જેટલી આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ ભારતમાં ઉતરી હતી. જો કે, તેમાં ૭,૯૭૬ મુસાફરો આવ્યા હતા, જેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાથી ૧૦ લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, કોરોના પોઝીટીવ આવેલા તમામે તમામના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વિશ્વના ૨૯ દેશોમાં ૩૭૩ લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યું છે, જેમાંથી ૧૮૩ દક્ષિણ આફ્રિકાના છે. તેની ઝડપનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં ૫૦ ટકા કેસમાં બીટા વેરિયન્ટ અને ૭૫ ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં ૧૦૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને ૮૦ ટકા કેસમાં માત્ર ૧૦ દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે.  તેથી તે અન્ય વાયરસ પ્રકારો કરતાં ૫૦૦ ટકા ઝડપી હોવાનું માનવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના (WHO) જણાવ્યા મુજબ, સ્પાઈક પ્રોટીન જે તેને માનવ કોષોને વળગી રહેવામાં મદદ કરે છે. તે આ પ્રકારમાં વધુ શકિતશાળી છે, તેથી તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવુ માનવામાં આવે છે કે ઓમિક્રોનના પરિવર્તનની ઝડપ પણ બમણી થઈ શકે છે.

WHO અનુસાર, ઓમિક્રોનના દર્દીઓ, કોવિડ-૧૯ દર્દીઓની હળવાથી ગંભીર શ્રેણીમાં ફેરવાઈ રહ્યા છે. હંમેશની જેમ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વાયરસની ઘાતકતા વિશે અત્યારે તારણ કાઢવું   ખૂબ જ વહેલું છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા સૂચવે છે કે અહીં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

(10:17 am IST)