Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જે લેવલે પહોંચતા ડેલ્ટાને ૧૦૦ દિવસ લાગ્યા હતા ત્યાં માત્ર ૧૦ દિવસમાં પહોંચી ગયો ઘાતક ઓમીક્રોન

નવી દિલ્હી,તા. ૩ : વિશ્વના ૨૯ દેશોમાં ૩૭૩ લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે, જેમાંથી ૧૮૩ દક્ષિણ આફ્રિકાના છે.  તેની ઝડપનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં ૫૦ ટકા કેસમાં બીટા વેરિઅન્ટ અને ૭૫ ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં ૧૦૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને ૮૦ ટકા કેસમાં માત્ર ૧૦ દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે. તેથી તે અન્ય વાયરસ પ્રકારો કરતાં ૫૦૦% ઝડપી હોવાનું માનવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, સ્પાઈક પ્રોટીન જે તેને માનવ કોષોને વળગી રહેવામાં મદદ કરે છે તે આ પ્રકારમાં વધુ શકિતશાળી છે, તેથી તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આશંકા છે કે તેના પરિવર્તનની ઝડપ પણ બમણી થઈ શકે છે.

WHO અનુસાર, ઓમિક્રોનના દર્દીઓ કોવિડ-૧૯ દર્દીઓની હળવાથી ગંભીર શ્રેણીમાં ફેરવાઈ રહ્યા છે. હંમેશની જેમ, સંસ્થાએ કહ્યું કે વાયરસની ઘાતકતા વિશે તારણ કાઢવું   ખૂબ જ વહેલું છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા સૂચવે છે કે અહીં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

કોરોનાનો નવો ઓમિક્રોન વેરિએન્ટ સૌથી પહેલા ૨૪ નવેમ્બરે  દક્ષિણ આફ્રિકામાં રિપોર્ટ થયો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ વેરિએન્ટમાં સૌથી વધારે મ્યૂટેશન એટલે કે ફેરફાર થયો છે. ચિંતાજનક વાત એ છે કે વેરિએન્ટના સ્પાઈક પ્રોટીનમાં સૌથી વધારે ફેરફારનું કારણ આ પહેલાના વેરિએન્ટની સરખામણીમાં હજું વધારે તેજીથી ફેલાઈ શકે છે. દક્ષિણ આફ્રીકા સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ આ વેરિએન્ટ જે લોકોમાં જોવા મળ્યો છે તેમનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂકયું હતુ.

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતની પહેલી કંપની છે જેણે કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવા માટે મંજૂરી માંગી છે. કેન્દ્ર સરકારે પણ સાંસદને આ જાણકારી આપી છે કે કોરોનાના રસીકરણ માટે બનેલા નેશનલ ટેકિનકલ ગ્રુપ ઓફ ઈમ્યૂનાઈઝેશન અને નેશનલ એકસપર્ટ્સ ગ્રુપે પણ બુસ્ટર ડોઝના વૈજ્ઞાનિક પાસા પર વિચાર કરી રહ્યા છે.

રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક અને કેરળ જેવા રાજયોએ ઓમિક્રોન વેરિએન્ટ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માંગ કરી છે.

૧ ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૩૭ જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ભારતમાં ઉતરી હતી. તેમાંથી ૭,૯૭૬ મુસાફરો આવ્યા હતા, જેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ૧૦ લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટની બેમાં પુષ્ટિ થઈ હતી. આ બંને પુરુષો છે, એક ૬૬ વર્ષનો છે અને બીજો ૪૬ વર્ષનો છે. આ તમામના પ્રાથમિક અને નજીકના સેકન્ડરી સંપર્કોની શોધ કરવામાં આવી રહી છે.

(10:54 am IST)