Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા બોસ પક્ષમાં નવો પ્રાણ ફુંકાય તેવી શકયતા

કોંગ્રેસના પ્રદેશ સુકાની જગદીશ ઠાકોર : વિપક્ષી નેતા બનશે સુખરામ રાઠવા

ઓબીસી - આદીવાસીઓને સાચવી લેવાની પક્ષની ગણતરી : સુકાનીની વરણી થતાં કાર્યકરોની આતુરતાનો આવ્યો અંત

અમદાવાદ તા. ૩ : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી વર્ષ ૨૦૨૨માં થવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસને હવે નવા બોસ મળવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજયની અલગ અલગ ચૂંટણીઓમાં કોંગ્રેસનો એક બાદ એક કારમો પરાજય થઈ રહ્યો છે. એવામાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તેને લઈને લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી ત્યારે અનેક નામોની ચર્ચાઓ બાદ આખરે સત્તાવાર રીતે કોંગ્રેસનાં નવા સુકાનીનાં નામની જાહેરાત કરવામાં આવી છે.     ગુજરાત કોંગ્રેસમા આ વખતે ઠાકોર સમાજના નેતાને કમાન સોંપવાને લઈને નિર્ણય લેવામા આવ્યો છે. સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે સત્તાવાર જાહેરાત કરી છે. જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાના નામે મહોર મારવામાં આવી છે, જેની બપોર બાદ જાહેરાત થશે.

નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂકયા છે અને ઉત્ત્।ર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ કયાંક ને કયાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારૂ પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે,  થોડાક સમય અગાઉ વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાએ હાઈકમાન્ડને રાજીનામાં સુપરત કરી દીધા હતા ત્યારથી આજકાલમાં નવા નેતાના નામ જાહેર થશે એવી અટકળો વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખપદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જેમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, સિદ્ઘાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ દ્વારા જાહેરમાં કે બંધબારણે નવા પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબિંગ કરાતું હતું. આ માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નવનિયુકત રઘુ શર્માએ તબક્કાવાર બેઠકો યોજીને ઘણાં પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસના ટોચના નેતાગણ અને રાહુલ ગાંધી સાથે પણ બેઠકો યોજાઈ હતી. અંતે જૂથવાદને બાજુએ મૂકી કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું મન બનાવી સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ પક્ષમાં અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. હવે કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી મંથન કરી રહી હતી. જેમાં આજે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની પંસદગી કરાઇ છે. તેમાં નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

ઉત્ત્।ર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વકતા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી ૨૦૦૨થી ૨૦૦૭ અને ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી ધારાસભ્ય રહ્યાં છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂકયા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુકિત કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત મંડાઇ હતી. સૌ પ્રથમ હાર્દિક પટેલના નામની ચર્ચા હતી. જેનો ખુદ સિનિયર ધારાસભ્યોએ જ વિરોધ કર્યો હતો. જેથી હાઇમાન્ડે આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.

(3:30 pm IST)