Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

૧૧ મહિનામાં ૫ કરોડના દંડનો ધગધગતો ડામ : રાજકોટીયન્સને કદાચ નિયમોનું પાલન કરવા કરતા ભંગ કરવામાં વધુ રસ!

દંડનો ડામ સતત અવિરત ખમી રહી છે રાજકોટની જનતાઃ કેટલાક કાયદાની પડી નથી? કેટલાક મજબૂરીથી કાયદો તોડે છે ને સપડાય જાય છેઃ પહેલા પચાસ-સો દઇ છટકી શકાતું, પણ હવે 'તીસરી આંખ'ના તીરથી લગભગ કોઇ બચી શકતું નથીઃ તમે ટ્રાફિકનો નિયમ તોડી ભાગો તો ઘરેબેઠા 'ઇ-મેમો' રૂપી કંકોત્રી મળી જાય : રોંગ સાઇડ, વન-વે, લાયસન્સ, પીયુસી, આરસી બૂક વગર ડ્રાઇવીંગ, સીટ બેલ્ટ ન બાંધવો, કાળા કાચ રાખવા, ત્રણ સવારી, નંબર પ્લેટ વગર નીકળવું એ સહિતના નિયમોના ભંગ માટે અગાઉ દંડ વસુલાતાં: છેલ્લા બે વર્ષથી કોરોના અંતર્ગત માસ્કના, થૂંકવાના દંડનો ઉમેરો થતાં દંડની આવકમાં ભરપૂર ઉછાળો : ઠંડી મેં ગરમી કા અહેસાસ... :જેવો પોલીસના દંડનો આંકડો :પોલીસનું એક જ સુત્ર-કાયદે મેં રહોગે તો આપ ફાયદે મેં રહોગે : નિયમોનું પાલન કરો, દંડથી બચો, જવાબદાર બનો, જાગૃત બનો

રાજકોટ તા. ૩: આપણું શહેર રાજકોટ અનેક ક્ષેત્રમાં અગ્રેસર રહે છે. હવે કદાચ ટ્રાફિકને લગતાં અને પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગને લગતાં દંડ ભરવામાં પણ આ શહેરને રેકોર્ડ તોડવો હોય તેવું લાગે છે. શહેરની પ્રજા છેલ્લા કેટલાક સમયથી દંડનો ધગધગતો ડામ ખમી રહી છે. તેમાં પણ કોરોનાકાળમાં સોૈથી વધુ દંડ રાજકોટની જનતાએ ભર્યો હોય તેવું પોલીસે જ જાહેર કરેલા આંકડાઓ પરથી સમજાય છે. શહેર પોલીસે અલગ અલગ નિયમોનું પાલન નહિ કરનારા શહેરીજનો પાસેથી છેલ્લા અગિયાર મહિનામાં જે દંડ વસુલ કર્યો છે તે જોતાં લાગે છે કે રાજકોટની જનતાને નિયમોનું પાલન કરવા કરતાં દંડ ભરવો વધુ યોગ્ય લાગી રહ્યો હશે, અથવા તો દંડ ભરવા પ્રજાજનો મજબૂર થઇ રહ્યા છે!? આ વર્ષના જાન્યુઆરી મહિનાથી નવેમ્બર મહિનો પુરો થયો અને ડિસેમ્બરના બે દિવસ ગણી શહેર પોલીસે કુલ ૧,૧૭,૨૨૨ અલગ અલગ કેસ કરી તેના પેટે રૂ. ૫,૦૬,૨૦,૫૦૪ (પાંચ કરોડ છ લાખ વીસ હજાર પાંચસો ચારનો દંડ વસુલ કર્યો છે.

શહેરમાં વાહન ચાલકો અને નગરજનો ટ્રાફિકના અને પોલીસ કમિશનરના જાહેરનામાના નિયમોનું પાલન કરે એ માટે પોલીસ સતત ચેતવણી આપતી રહે છે અને લોકોને નિયમો અનુસાર જ વાહન ચલાવવા તેમજ કોરોનાને લગતાં જાહેરનામાનો પાલન કરવા અનુરોધ કરતી રહે છે. પરંતુ આમ છતાં વાહન ચાલકો, નગરજનો નિયમભંગ કરતાં રહે છે અથવા તો કયારેક અજાણતા-જાણતા નિયમોનો ભંગ કરે છે અને દંડનો ડામ ખમે છે. ટ્રાફિકને લગતાં નિયમોમાં વાહન ચાલકો વન-વેમાં વાહન હંકારે, ટુવ્હીલરમાં ત્રણ સવારીમાં નીકળે, ડ્રાઇવીંગ લાયસન્સ વગર કે આરસી બૂક અથવા પીયુસી વગર નીકળે, રોંગ સાઇડમાં વાહન  હંકારે, વાહનમાં નંબર પ્લેટ ન રાખે કે ફેન્સી નંબર રાખે એ સહિતના અનેક નિયમોનો ભંગ કરે તો ટ્રાફિક પોલીસ કે પછી ચેકીંગમાં રહેલી જે તે ડિવીઝનની પોલીસ તેને મેમો આપી દંડ વસુલ કરે છે. કાર ચાલકો સીટ બેલ્ટ ન બાંધે, કાળા કાચ રાખવા સહિતના નિયમોનું પાલન ન કરે તો તેની સામે દંડની કાર્યવાહી થાય છે.

કોરોના આવ્યો એ પહેલા સુધી વાહન ચાલકો પાસેથી ટ્રાફિકને લગતાં નિયમોના ભંગ બદલ જ દંડ વસુલાતો હતો. પરંતુ કોરોના કાળમાં સરકારની માર્ગદર્શિકા મુજબ જે તે શહેર જીલ્લાના પોલીસ અધિકારીઓએ બહાર પાડેલા જાહેરનામાના ભંગ સબબ પણ દંડ વસુલવાની શરૂઆત થઇ હતી. રાજકોટ શહેરમાં કોરોના કાળમાં પોલીસે જે દંડ વસુલ્યો છે એ કદાચ અત્યાર સુધીમાં કદી નહિ વસુલાયો હોય એટલો દંડ છે. આ આંકડો કરોડોમાં પહોંચ્યો છે. ગયા વર્ષે ૨૦૨૦માં પણ જાહેરમા થુંકવાના, માસ્ક નહિ પહેરવાના દંડનો આંકડો કરોડોમાં હતો. આ વર્ષે ટ્રાફિકના નિયમો અને સાથો સાથ જાહેરનામા ભંગ બદલ વસુલાતા દંંડનો આંકડો પણ કરોડોમાં પહોંચી ગયો છે.

શહેર પોલીસે જાહેર કરેલા આંકડાઓ મુજબ આ વર્ષ દરમિયાન આજ દિવસ સુધીમાં કુલ ૧,૧૭,૨૨૨ કેસ કરીને રૂ. ૫,૦૬,૨૦,૫૦૪નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે ગુરૂવારે બીજી ડિસેમ્બરે એક જ દિવસમાં અલગ અલગ નિયમોના ભંગ બદલ, જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવેલા કેસોની સંખ્યા ૫૫૦ હતી અને તેનો રૂ. ૨,૯૫,૯૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આજના ત્રીજી ડિસેમ્બરના દંડના આંકડા આવતીકાલે જાહેર કરવામાં આવશે. અલગ અલગ નિયમોના ભંગ બદલ દંડ પણ અલગ અલગ રાખવામાં આવ્યો છે. અગાઉ વાહન ટોઇંગ કરીને લઇ જવાતું તેનો દંડ પાંચસો હતો એ પણ વધારીને સાતસો કરી નાંખવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનારને એક હજારનો દંડ કરાય છે. વાહન ચાલકો પાસેથી નિયમનો ભંગ કરવા બદલ અલગ અલગ દંડ વસુલ કરવામાં આવે છે.

અગાઉ શહેરના જે તે મુખ્ય ચાર રસ્તાના પોઇન્ટ પર જ પોલીસ કે ટ્રાફિક પોલીસ ઉભી રહી વાહન ચેકીંગ કરી દંડ વસુલતી હતી. હજુ પણ આ રીતે સમયાંતરે ડ્રાઇવ યોજી દંડ વસુલ કરાય જ છે. ટ્રાફિક પોલીસ દરરોજ આ કાર્યવાહી કરતી હોય છે. આ ઉપરાંત સોૈથી વધુ દંડ પોલીસ કોઇની મદદથી વસુલતી હોય તો એ આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા છે.  સીસીટીવી કેમેરાનો મુખ્ય ઉદ્દેશ કાયદો વ્યવસ્થા, ટ્રાફિક જામ કે પછી કોઇ મુશ્કેલીઓના સમયે પોલીસ ફટાફટ જે તે સ્થળે પહોંચી શકે અને ગુનેગારો ગુનો કરીને ભાગી જાય તો તે કઇ તરફ ગયો તેનું લોકેશન શોધવા માટેનો છે. પરંતુ રાજકોટ પોલીસ સોૈથી વધુ દંડ વસુલ કરવામાં આ કેમેરાનો ઉપયોગ કરે છે.

કોઇપણ ટ્રાફિક પોઇન્ટ કે જ્યાં સાઇડ બંધ હોય અને વાહન ચાલક જે તે ફરજ પરના સ્ટાફની નજર ચુકવી ભાગી જાય તો તેની નંબર પ્લેટના ફોટા પાડી તેને ઓનલાઇન મેમો આપવાનું કામ સીસીટીવી કેમેરા કરે છે. વાહન ચાલક ઝીબ્રા ક્રોસીંગ પર વાહન ઉભુ રાખે તો પણ ઘરે મેમો આવી જાય છે. આ જ રીતે કેમેરા મારફત રોગ સાઇડ, ત્રણ સવારી, બંધ સાઇડમાં ભાગવું એ સહિતના નિયમોના ભંગ સબબ ઓનલાઇન દંડ ફટકારે છે. દંડ વસુલવામાં પણ પોલીસે સમયની સાથે રહી જે તે વાહન ચાલક ઓનલાઇન મેમોની રકમ ભરપાઇ કરી દંડ ભરી શકે તેવી વ્યવસ્થા કરી છે.

શહેરના વાહન ચાલકો કરોડોનો દંડ એક વર્ષમાં ભરપાઇ કરે છે. તેવું ખુદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. આટઆટલો દંડ ભરવા છતાં વાહન ચાલકો, નગરજનો હરીફરીને નિયમોનો, જાહેરનામાનો ભંગ કરતાં જ રહે છે અને દંડ ભરતાં જ રહે છે. વાહન ચાલકોને કદાચ નિયમોનું પાલન કરવા કરતાં દંડ ભરવો વધુ યોગ્ય લાગતો હોય તેવું ચિત્ર પણ ઉપસી આવે છે. બધા જ વાહન ચાલકો નિયમ ભંગ કરતાં હોતા નથી. અમુક મજબૂરીથી કે અજાણતા નિયમ ભંગ કરી બેસતાં હોય છે. તેને પણ દંડ મળે છે. અગાઉ તમે ભુલથી રોંગ સાઇડમાં ઘુસી ગયા હો કહે ત્રણ સવારીમાં પકડાઇ ગયા હો તો જે તે સ્ટાફ સાથે પચ્ચીસ-પચ્ચાસ કે એથી વધારે રકમમાં પતાવટ થઇ જતી હતી. પરંતુ આજે તીસરી આંખ-સીસીટીવી કેમેરાના તીર નિશાન ચુકતા નથી. એટલે કે તમે ભુલ કરી તો દંડનો ડામ તમને ઘરે બેઠા મળી જાય છે. જો કે આમાં પણ ઘણાખરા એવા છે જેમને અનેક મેમો મળી ચુકયા હોવા છતાં તે દંડ ભરવાની દરકાર કરતાં નથી. નોંધનીય છે કે આવા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા પોલીસ અલગથી કાર્યવાહી કરતી હોય છે.

પોલીસ માત્ર દંડ ફટકારવાનું જ કામ કરે છે એવું નથી. જે વાહન ચાલકો નિયમોનો ભંગ નથી કરતાં, જે લોકો જાહેરનામાનો ભંગ નથી કરતાં તે લોકો દંડના ડામથી દૂર જ રહે છે. જો કે આમાં પણ ઘણીવાર એકને ગોળ અને એકને ખોળ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે. એક જ સરખા નિયમોના ભંગ કરનારા અમુક વાહન ચાલકોને દંડ કરાય છે, અમુક ગમે તેમ કરીને છટકી જાય છે. અમુક તો પોલીસની નજર સામે જ નિયમોનો ભંગ કરીને બેરોકટોક ભાગી જતાં હોય છે. તેના વાહનોમાં નંબર પ્લેટ પણ હોતી નથી. આ કારણે તીસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરાના 'તીર' પણ આવા વાહન ચાલકો સામે 'થોથા' બની જાય છે.

શહેરની વસ્તી અને વિસ્તાર વધ્યા છે, એની સાથે નિયમોના ભંગ કરનારા પણ વધ્યા છે અને એ કારણે દંડની રકમ પણ વધી છે તેમ કહી શકાય.  વાહનચાલકો-નગરજનોની બેદરકારી પણ  દંડની રકમ કરોડોમાં પહોંચવા માટે જવાબદાર ગણી શકાય. ટૂંકમાં નિયમોનું પાલન જ દંડના ડામથી બચાવી શકે છે. બાકી પોલીસ તેનું કામ કરતી રહેવાની છે અને તમે નિયમ ભંગ કરશો તો દંડ ફટકારતી જ રહેશે એ પણ હકિકત છે. પોલીસનું એક જ સુત્ર છે-કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. (હવે એ આપણે નક્કી કરવાનું છે કે દંડ ભરીને પોલીસને ફાયદો કરાવવો છે કે પછી નિયમોનું પાલન કરીને આપણે ફાયદામાં રહેવું છે?)

(3:31 pm IST)