Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાયુ પ્રદૂષણઃ યુપી સરકારે દાવો કર્યો કે પાકિસ્તાનથી આવતી હવાને કારણે પ્રદૂષણ ફેલાયું

સીજેઆઈનો વળતો પ્રહાર, તો શું ત્યાંના ઉદ્યોગો બંધ કરી દઈએ

નવી દિલ્હી, તા.૩: દિલ્હી એનસીઆરમાં ભયાનક વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની સામે નારાજગી વ્યકત કરી છે. પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને ૨૪ કલાકની અંદર યોજના બનાવવા માટે કહ્યું છે. આજે ફરીથી આ બાબત પર સુનવણી થશે અને સુનાવણી પહેલા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે શીર્ષ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે, તેમણે વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા પોતાના નિર્દેશોના અનુપાલનની દેખરેખ માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ છે. ૧૭ સદસ્યોની ફ્લાઈંગ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ રોજ સાંજે ૬:૦૦ વાગ્યે રિપોર્ટ લેશે. કેન્દ્ર સરકારની આ પહેલ પર સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યકત કર્યો છે.

બીજી બાજુ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને શહેરમાં હોસ્પિટલોનાં નિર્માણ કાર્યોની અનુમતિ માગી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એફિડેવિટમાં દિલ્હી સરકારે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેટલીક જૂની હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. આના સિવાય ૭ નવી હોસ્પિટલોનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું હતું. જોકે પ્રદૂષણ વધવાના કારણે નિર્માણ કાર્યો રોકી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટે ફરીથી ભયનો માહોલ ફેલાવી દીધો છે. દિલ્હીની હોસ્પિટલો સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરવો જરૂરી બની ગયું છે.

ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઉદ્યોગો બંધ થવાથી રાજયમાં શેરડી અને દૂધના ઉદ્યોગો પ્રભાવિત થશે અને રાજય પાછળ ચાલ્યું જશે. રાજય સરકારે કહ્યું કે, વધારે પ્રમાણમાં પાકિસ્તાન તરફથી પ્રદૂષિત હવા આવી રહી છે. તેના પર સીજેઆઈ એનવી રમણે કટાક્ષ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રમણે કહ્યું ,તો તમે પાકિસ્તાનમાં ઉદ્યોગો પર પ્રતિબંધ લગાવવા માંગો છો!

(3:42 pm IST)