Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મથુરાને હિંદુત્વની નવી રાજધાની બનાવવાની તૈયારીમાં છે ભાજપ

યૂપી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨

નવીદિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી હિંદુત્વના મુદ્દાને ધાર આપવામાં લાગી ગઈછે. ભાજપની હવે અયોધ્યાને નહીં મથુરાને હિંદુત્વની નવી રાજધાની બનાવવાની તૈયારી છે.

આ વાતના સંકેત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સી.એમ. યોગી આદિત્યનાથ સરકારના ડિપ્યૂટી સી.એમ. કેશવ પ્રસાદ મોર્યએ મથુરાને લઈને કરવામાં આવેલ ટ્વિટમાં સંકેત આપ્યા છે. આ ઉપરાંત ભગવાન રામની તપોભૂમિ ચિત્રકૂટમાં આ મહિને ૧૫ ડિસેમ્બરના હિંદુ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં લગભગ ૫ લાખ લોકોના આવવાની સંભાવના દર્શાવામાં આવી છે.  આ હિંદુ મહાકુંભમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યના ગૌરક્ષ પીઠના પીઠાધીશ્વર તરીકે સામેલ થઈ શકે છે.

હિંદુ મહાકુંભમાં સી.એમ. યોગી થઈ શકે છે સામેલ

ઉત્તર પ્રદેશમાં હિંદુત્વને વધુ ધાર આપવા માટે ડિસેમ્બરથી ભગવાન રામની તપોસ્થલી ચિત્રકૂટમાં હિંદુ એકતા મહાકુંભ થવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરક્ષ પીઠના પીઠાધીશ્વર તરીકે સામેલ થઈ શકે છએ.

૮૦ના દાયકામાં રામ મંદિર બન્યો હતો પડકારનો મુદ્દો

જણાવી દઈએ કે, ૮૦ના દાયકાની આસપાસ ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના મુદ્દાને પોતાનો ચૂંટણી એજન્ડા બનાવી દીધો હતો. હવે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે યૂપીના ડે.સી.એમ.કેશવ મૌર્યએ ટ્વિટ કરી કહ્યું કે, અયોધ્યા-કાશીમાં ભવ્ય મંદિર નિર્માણ ચાલું છે અને હવે મથુરાનો વારો છે. ઉત્તર પ્રદેશના રાજકીય માહોલને વધુ ગરમ કરી દીધો છે. ત્યાં જ હિંદુ મહાસભાએ ૬ ડિસેમ્બરના મથુરામાં જલાભિષેકની જાહેરાત કરી છે.

હિંદુ મહાકુંભમાં ૫ લાખ લોકોના આવવાની સંભાવના

મહાકુંભમાં ૫ લાખ હિંદુઓને એકઠા કરવાની તૈયારી છે. મહાકુંભ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, યોગી ગુરૂ બાબા રામદેવ, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર પ્રસાદ, સાધ્વી ઋંભરા, મનોજ મુંતશિર, માલિની અવસ્થી, કુમાર વિશ્વાસ ઉપરાંત અનેક પ્રખર વકતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, અનેક હસ્તિઓની સહમતિ પણ આવી ચૂકી છે.ભગવાન શ્રી રામની તપોભૂમિ ધર્મનગરીમાં મહાકુંભ આયોજનનો ઉદ્દેશ્ય હિંદુ એકતા પર ચિંતન કરવાનું છે. મહાકુંભ આયોજકોએ યૂપીના સી.એમ. યોગી આદિત્યનાથ, ડે.સી.એમ. કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ મૌર્ય, MPના સી.એમ શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, સાધ્વી નિરંજન જ્યોતિ ઉપરાંત યૂપીની સરકારના અનેક મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ મહાકુંભમાં દેશના વિભિન્ન મઠ-મંદિરો, અખાડાના ધર્માચાર્યો, સંત-મહાત્માઓને પણ મહાકુંભમાં બોલાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હિંદુ મહાકુંભમાં અતિથીઓને આમંત્રણ આપવાની લાંબી યાદી બની છે.

(4:35 pm IST)