Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બાળકોને કોરોના સામે બૂસ્ટર ડોઝ અને રસીકરણનો નિષ્ણાતોની ટીમ નિર્ણય કરશે : કેન્દ્રીયમંત્રી માંડવીયા

સંસદમાં કેદ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું અમે વૈજ્ઞાનિક સલાહ મુજબ આગળની કાર્યવાહી કરીશું

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ કહ્યું છે કે, બાળકોને કોવિડ-19 સામે લડવા માટેની રસી અને કોરોના સામે બૂસ્ટર ડોઝ વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જ આપવામાં આવશે. લોકસભામાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'નિષ્ણાતોની એક ટીમ બાળકોને રસી આપવા અંગે નિર્ણય કરશે, અને કોરોના સામે બૂસ્ટર ડોઝ લાગુ કરવો કે નહીં.

સંસદમાં હાજર કેટલાક સભ્યોએ સરકારને બૂસ્ટર ડોઝ અને બાળકોને આપવામાં આવતી રસી વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ વાત કહી છે. આ સભ્યોએ સરકારને એવો સવાલ પણ કર્યો હતો કે, આ રોગચાળાની બાળકોના શિક્ષણ પર કેટલી અસર થઈ છે. આ સિવાય આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ડિજિટલ શિક્ષણની કેટલી અસર થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લગભગ 75 સભ્યોએ કોરોનાની સ્થિતિ પર ચર્ચામાં ભાગ લીધો હતો. લગભગ 12 કલાક સુધી આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ. ગુરુવારે મધરાત સુધીમાં આ વિષય પરની ચર્ચા પૂરી થઈ ગઈ હતી અને શુક્રવારે કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો.

લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ જણાવ્યું હતું કે 19 રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે રાજ્ય સરકારોને પત્ર લખીને તેમના ડેટા મોકલ્યા છે. માત્ર પંજાબમાં ઓક્સિજનના અભાવે ચાર શંકાસ્પદ મૃત્યુ નોંધાયા છે.

મનસુખભાઈ  માંડવિયાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો દર્શાવે છે કે આ સરકાર સત્તા માટે નહીં, પરંતુ ઈચ્છાશક્તિ સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ-19નો પહેલો કેસ 13 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં સામે આવ્યો હતો. પરંતુ કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સંયુક્ત દેખરેખ સમિતિની પ્રથમ બેઠક 8 જાન્યુઆરી 2020ના રોજ મળી હતી. તેનો અર્થ એ કે અમે એલર્ટ પર હતા. તેમણે કહ્યું કે કેસ નોંધાયા પહેલા એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું.

(10:56 pm IST)