Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વાયગ્રા આપતા કોરોનાને લીધે 28 દિવસથી કોમામાં જતી રહેલી મહિલા નર્સ મોનીકા હોશમાં આવી ગઈ

તેને વાયગ્રા આપવાનો વિચાર તેની સાથે કામ કરતી એક નર્સે આપ્યો હતો:હવે વાયગ્રા વિશે નવા સંશોધનો શરૂ

નવી દિલ્હી : ઈંગ્લેન્ડમાં કોરોનાને કારણે કોમામાં જતી રહેલી મહિલા નર્સનો જીવ વાયગ્રા વડે બચાવી લેવાયો હતો. 37 વર્ષની મોનિકા અલ્મેડા કોરોનાને કારણે 28 દિવસ સુધી કોમામાં હતી,પરંતુ મોનિકાને વાયેગ્રાનો હેવી ડોઝ આપવામાં આવતા જ તે હોશમાં આવી ગઈ. તેને વાયગ્રા આપવાનો વિચાર તેની સાથે કામ કરતી એક નર્સે આપ્યો હતો.

‘ધ સન’ના અહેવાલ મુજબ ગેન્સબરો લિંકનશાયરની રહેવાસી મોનિકા પોતે પણ એક નર્સ છે. ઓક્ટોબરમાં કોરોના દર્દીઓની સારવાર દરમિયાન તેણીને ચેપ લાગ્યો હતો. આ પછી તેની તબિયત સતત બગડવા લાગી અને તેણે લોહીની ઉલટીઓ કરી હતી. તે પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને ટૂંક જ સમયમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.

ડિસ્ચાર્જ થયાના થોડા દિવસો બાદ મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. લિંકન કાઉન્ટી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ થઈ. સારવાર દરમિયાન મોનિકાના ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું. જે પછી તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં 16 નવેમ્બરે તે કોમામાં જતી રહી હતી.

મોનિકાને હોશમાં લાવવા માટે ડોક્ટરોએ ઘણી ટ્રીટમેન્ટ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ડોકટરો મોનિકાને વેન્ટીલેટરમાંથી કાઢવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તે પહેલા વાયગ્રા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાયગ્રાનો હેવી ડોઝ આપ્યા પછી મોનિકા ભાનમાં આવી ગઈ હતી. હવે વૈજ્ઞાનિકો એ વાત પર સંશોધન કરી રહ્યા છે કે શું વાયગ્રાનો ઉપયોગ નાઈટ્રિક ઑક્સાઈડની જેમ જ થઈ શકે છે, જે લોહીમાં ઑક્સિજનનું સ્તર વધારી શકે છે.

મોનિકાએ કહ્યું- વાયગ્રાએ મને બચાવી છે. તેનાથી મારા એર વેવ્સ ખુલી ગયા જેથી મારા ફેફસાં કામ કરવા લાગ્યા હતા. મને અસ્થમા છે, જેના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 37 વર્ષની ઉંમરે હું આટલી બધી બીમાર થઈ જઈશ

(12:00 am IST)