Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પાકિસ્તાન સાર્ક સમિટ યોજવા ઉતાવળ્યું :કહ્યું ભારત અહીં ના આવી શકે તો વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકે

કુરેશીએ સાર્કને “મહત્વનું મંચ” ગણાવ્યું અને કહ્યું: “દુર્ભાગ્યે, ભારતે તેની જીદને કારણે આ મંચને નિષ્ક્રિય કરી દીધું છે. તેઓ ઈસ્લામાબાદ આવવા તૈયાર નથી, અચકાય છે

નવી દિલ્હી :પાકિસ્તાને સાર્ક સમિટ – સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ની લાંબા સમયથી પડતર સમિટની યજમાની કરવાની તેની ઓફરનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે જો ભારત આ બેઠકમાં વ્યક્તિગત રીતે ભાગ લેવા માંગતું નથી, તો તે વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકે છે.

કુરેશીએ ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે 2021 દરમિયાન પાકિસ્તાનની વિદેશ નીતિની સમીક્ષા રજૂ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ટિપ્પણીનો પુનરોચ્ચાર કર્યો હતો કે બંને પક્ષો વચ્ચે વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પગલાં ભરવાની જવાબદારી ભારતની છે.
નવેમ્બર 2016માં ઈસ્લામાબાદમાં 19મી સાર્ક સમિટ યોજાવાની હતી. પરંતુ તે જ વર્ષે ઉરી આતંકવાદી હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 17 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે સાર્ક સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ગયા વર્ષે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ને કબજે કર્યા પછી, સાર્ક જૂથના આઠ સભ્યોમાંથી એક અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે પણ અનિશ્ચિતતા રહે છે. કુરેશીએ સાર્કને “મહત્વનું મંચ” ગણાવ્યું અને કહ્યું: “દુર્ભાગ્યે, ભારતે તેની જીદને કારણે આ મંચને નિષ્ક્રિય કરી દીધું છે. તેઓ ઈસ્લામાબાદ આવવા તૈયાર નથી, અચકાય છે.”

(12:12 am IST)