Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દર્દીને ભૂખ ન લાગવી એ ઓમિક્રોનનું ખાસ લક્ષણ

વિશ્વના વૈજ્ઞાનિકો ઓમિક્રોનની જાણકારી મેળવી રહ્યા છે : હેલ્થ એક્સપર્ટ્સ લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણો નજરઅંદાજ ન કરવા માટેની સલાહ આપી રહ્યા છે

નવી દિલ્હી તા.૩ : સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ઓમિક્રોન અંગેની નવી નવી જાણકારીઓ એકત્રિત કરી રહ્યા છે. ડબલ્યુએચઓ દ્વારા પણ એવી ચેતવણી આપવામાં આવી છે કે, ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની સરખામણીએ ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લક્ષણો પર ધ્યાન ન આપવાની બેદરકારીના કારણે કેસની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

આ કારણે જ હેલ્થ એક્સપર્ટ્સ લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણો નજરઅંદાજ ન કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટર્સે ઓમિક્રોનના એક અસામાન્ય લક્ષણ અંગે જણાવ્યું છે જેના પર સામાન્ય રીતે લોકો ધ્યાન જ નથી આપતા.

કોરોનાના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્વાદ અને સુગંધ જતા રહેવા, તાવ, ગળામાં ખારાશ અને શરીર દર્દનો સમાવેશ થાય છે. જોકે ઓમિક્રોનના દરેક દર્દીઓમાં આવા લક્ષણો નથી નોંધાઈ રહ્યા. અત્યાર સુધીના ડેટાના આધાર પર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોનાના માત્ર ૫૦ ટકા દર્દીઓમાં તાવ, કફ અને સ્વાદ-સુગંધની ઉણપનો અનુભવ થઈ રહ્યો છે. જોકે ઓમિક્રોનના મોટા ભાગના દર્દીઓમાં એક ખાસ લક્ષણ ચોક્કસ નોંધાયું છે અને તે છે ભૂખ ન લાગવી. જો તમને કેટલાક અન્ય લક્ષણોની સાથે ભૂખ નથી લાગી રહી તો તમારે કોઈ ડોક્ટર કે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ અને ત્યાર બાદ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

(12:00 am IST)