Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગાલવાન પર ચીને ધ્વજ ફરકાવતા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના પ્રહાર

નવા વર્ષે ચીનનો ફરી એક વખત ભારતને ઝાટકો : એક ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં ચીને પોતાના કબજામાં રહેલી ગાલવાન ઘાટી પર પોતાનો રાષ્ટ્રીય ઝંડો લહેરાવ્યો

નવી દિલ્હી તા.૩ : નવા વર્ષે ચીન સાથેના સંબંધો સામાન્ય થાય તેવી આશા રાખી રહેલા ભારતને ફરી એક વખત ઝાટકો વાગ્યો છે. ચીને ફરી એક વખત ગાલવાન ઘાટી પર પોતાનો દાવો કર્યો છે.

ગત ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ એક ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં ચીને પોતાના કબજામાં રહેલી ગાલવાન ઘાટી પર પોતાનો રાષ્ટ્રીય ઝંડો લહેરાવ્યો હતો. ત્યાર બાદ ચીનના સરકારી મીડિયા ઉપરાંત તેની પ્રોપેગેન્ડા મશીનરીએ તે વીડિયો જોરશોરથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું હતું.

ગાલવાન ખાતે ચીનની આ કરતૂતની અસર નવી દિલ્હીમાં જોવા મળી હતી. વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને સવાલ કર્યો હતો કે, પીએમ મોદી ગાલવાન મુદ્દે પોતાની ચૂપકીદી ક્યારે તોડશે?

ડબલ ગેમ રમવા માટે કુખ્યાત ચીને નવા વર્ષના પ્રસંગે પૂર્વીય લદ્દાખના ડેમચોક અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાં ભારતીય સૈનિકોને ભેટ આપી હતી. આ કારણે એવું લાગી રહ્યું હતું કે, બંને દેશ વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ આખરે પીગળી રહ્યો છે. જોકે થોડા કલાકોમાં જ ચીનની અસલીયત સામે આવી ગઈ હતી.

ગ્લોબલ ટાઈમ્સે ગાલવાન ખાતે ચીની સૈનિકો દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો તેની પ્રશંસા કરતા લખ્યું હતું કે, 'ગાલવાન ઘાટીમાં, જ્યાં લખ્યું હતું કે કદી એક ઈંચ જમીન પણ ન છોડશો, ૧ જાન્યુઆરીના રોજ ઁન્છના જવાનોએ ચીની જનતાને સંદેશો આપ્યો.' આ કાર્યક્રમનો વીડિયો ટ્વિટર પર શેર કરીને ચીનના સરકારી મીડિયા સાથે સંકળાયેલા શખ્સ શેન સિવેઈએ લખ્યું હતું કે, 'વર્ષ ૨૦૨૨ના પહેલા દિવસે ગાલવાન ઘાટી પર ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ ઝંડો ખૂબ ખાસ છે કારણ કે, આ જ ધ્વજ એક સમયે થિયાનમાન ચોક પર લહેરાવવામાં આવ્યો હતો.'

ઉલ્લેખનીય છે કે, થિયાનમાન ચોક ચીનમાં આવેલી એ જગ્યા છે જ્યાં ચીને એક સમયે લોકશાહીના સમર્થક વિદ્યાર્થીઓ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. તે ઘટનામાં અગણિત લોકો માર્યા ગયા હતા.

શેન સિવેઈ દ્વારા ટ્વિટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગયો હતો. આ સાથે જ ભારતની વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ગાલવાન પર આપણો તિરંગો જ સારો લાગે છે. ચીનને જવાબ આપવો જોઈએ. મોદીજી, ચૂપકીદી તોડો!

(12:00 am IST)