Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કર્ણાટકમાં ખજાનો શોધવા ૮૦૦ વર્ષ જૂનું મંદિર ખોદ્યું

શિવની મૂર્તિ દૂર કરી આઠ ફૂટ ખાડો ખોદ્યો : પોલીસના જણાવ્યા મુજબ સોના અને ચાંદીના ખજાનાની શોધ કરતા પહેલા તસ્કરોએ કથિત રીતે કાળો જાદુ કર્યો

બેલાગાવી તા.૩ : બેલાગાવી જિલ્લાના નિપ્પાની તાલુકામાં ગયા અઠવાડિયે ખજાનાની શોધમાં કેટલાક બદમાશોએ ૮૦૦ વર્ષ જૂનું મંદિર ખોદી નાખ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શિવ મંદિરના ગર્ભગૃહમાં ખજાનો હોવાની લાલચમાં બદમાશોએ પહેલા શિવની મૂર્તિ દૂર કરી હતી અને બાદમાં ગર્ભગૃહ ૮ ફૂટ સુધી ખોદી નાખ્યો હતો. આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉના રાજ્યો દ્વારા છુપાયેલો કથિત ખજાનો શોધવાનો આ પાંચમો પ્રયાસ હતો. હાલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે અને બદમાશોને શોધી રહી છે. તો બીજી તરફ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર કથિત ખજાનાની શોધ કરતા બદમાશોએ ૨૬ ડિસેમ્બરની રાત્રે નિપ્પાની તાલુકાના હોનીડિબ્બા ગામમાં રામલિંગેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. કદંબ વંશ દ્વારા બનાવવામાં આવેલ મંદિરનું પાછળથી કિત્તુર સામ્રાજ્ય દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

પોલીસ મુજબ સોના અને ચાંદીના ખજાનાની શોધ કરતા પહેલા તસ્કરોએ કથિત રીતે કાળો જાદુ કર્યો હતો. ભાગતા પહેલા તસ્કરોએ મૂર્તિને પુનઃસ્થાપિત કરી હતી. મંદિરના પૂજારી રુદ્રપ્પા મત્તિકોપ્પા બીજા દિવસે સવારે જ્યારે પૂજા કરવા મંદિર પહોંચ્યા ત્યારે ઘટના અંગે જાણ થઈ હતી.

પૂજારીએ ગ્રામજનોને જાણ કરતા કિત્તુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મંદિરમાં કે આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. આથી, તેઓ બદમાશોને શોધવા માટે મોબાઈલ ટાવર નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બેલાગાવીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે કામ કરતા એક અધિકારીએ કહ્યું કે મંદિર એક અસુરક્ષિત સ્મારક છે અને તેમની ઓફિસે આ ઘટના અંગે પ્રાદેશિક કાર્યાલયને રિપોર્ટ સુપરત કર્યો છે.

(12:00 am IST)