Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સોનુ સૂદે રાજકારણમાં જોડાવા ઉપર ચોક્કસ જાહેરાત ન કરી

કેજરીવાલ સાથેની મુલાકાત બાદ અટકળો : અભિનેતા સોનુ સૂદની બહેન પંજાબ વિધાનસભામાં ચૂંટણીમાં ઊતરવા માટેની જાહેરાત કરી ચૂકી છે

નવી દિલ્હી તા.૩ : દિલ્હીમાં કેજરીવાલ સાથે સોનુ સૂદની મુલાકાત બાદથી જ તેમની રાજકારણમાં પ્રવેશવાની અટકળો ચાલી રહી છે ત્યાં એક વાર ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. હકીકતમાં સોનુ સૂદે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેમની બહેન માલવિકા અને તેમનો પરિવાર આગામી કેટલાક દિવસોમાં ચૂંટણીની રણનિતિની સાથે-સાથે પાર્ટીની જાહેરાત પણ કરશે. તેમની બહેન માલવિકા પહેલા જ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી ચુકી છે.

પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનુ સૂદે જણાવ્યું કે, તેઓ મોગા (સોનુ સૂદનું જન્મસ્થળ) માટે કામ કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે. સોનુ સૂદે હજુ સુધી એ જાહેર નથી કર્યું કે, તેઓ પોતાની એક અલગ પાર્ટી બનાવશે કે પછી તેમની બહેન કોઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે. કોરોના કાળ દરમિયાન લોકોએ તેમનામાં એક એવા નેતાની છબી જોઈ હતી કે જે લોકો માટે કામ કરે છે.

લોકોને પણ તેમણે અપીલ કરી કે, તમે સારા માણસોને મત આપો જેથી દરેક પાર્ટી સારા માણસોને ટિકિટ આપી શકે અને ત્યારે જ દેશમાં બદલાવ આવશે. સોનુ સૂદ ૪ જાન્યુઆરીએ જરૂરતમંદ છોકરીઓને અને આશા વર્કરોને ૧ હજાર સાઈકલ પણ આપશે. તેમનું કહેવું છે કે, તે છોકરીઓને પગપાળા ભણવા માટે જતા જોઈ છે તો તેમને ખરાબ લાગે છે. છેલ્લા મહિનામાં સોનુ સૂદે પંજાબના હાલના સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી.

એક યુઝરે લખ્યું- સોનુ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીને સીધા વડાપ્રધાન બનશે. સોનુ સુદછે કંઈ પણ કરી શકે છે. તેમના કારણે જ તો આપણે આજે જીવીએ છીએ નહીંતર કોવિડે ક્યારના આપણને બીજી દુનિયામાં પહોંચાડી દીધા હોત.

એક અન્ય યુઝરે લખ્યું- સોનુ સૂદ એક એવા વ્યક્તિ છે કે જેઓ બીજાનું ભલુ વિચારે છે પોતાનું નહીં. સોનુ સૂદ ભારતનો રત્ન છે.

(12:00 am IST)