Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વૈષ્ણોદેવીની દુર્ઘટના - રાજકોટની અમુક શાળાઓના વિદ્યાર્થીઓને અકસ્માત તથા હરિયાણામાં ભૂસ્ખલનની દુર્ઘટનાઓના

મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ તરફથી સહાય

રાજકોટ તા. ૪ : થોડા દિવસો પૂર્વે જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી. જેમાં ૧૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એ જ રીતે હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. એ ઉપરાંત રાજકોટની અમુક શાળાઓના વિદ્યાર્થીઓ એક સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત આવતી વખતે તેમના વાહનને તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો. જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

અકસ્માતની આવી વિવિધ દુર્ઘટનાઓમાં પામેલા લોકોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપુએ પ્રત્યેકને રૂપિયા ૫,૦૦૦ પ્રમાણે રૂપિયા એક લાખ પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચતી કરવામાં આવશે. પૂજય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યકત કરેલ છે. તેમ પૂ. મોરારીબાપુ વતી જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.

(10:02 am IST)