Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

બ્લેકબેરીના યુગનો અંત : ડબ્બા બની જશે ફોન

એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતા બ્લેકબેરીના સ્મૂધ કીપેડવાળા સ્માર્ટફોન હવે માત્ર શોભાના ગાંઠિયા બની રહેશે : નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં કંપનીએ કરી એક મહત્વની જાહેરાત : ૨૦૧૩માં કંપનીએ નવી OS સાથે કમબેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો : ત્યારબાદ એન્ડ્રોઈડ ફોન બનાવ્યા, જે બજારમાં ફલોપ રહ્યા

નવી દિલ્હી તા. ૪ : એક સમયે ખૂબ જ જાણીતી મોબાઈલ બ્રાન્ડ બ્લેકબેરીનો હવે સત્તાવાર રીતે અંત આવી રહ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે    તે બ્લેકબેરી ઓએસને સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. વિશ્વમાં હાઈટેક સ્માર્ટફોન્સનું આગમન થયું તે પહેલા બ્લેકબેરીના ફોન ખાસ્સા પોપ્યુલર બન્યા હતા. કંપનીની જાહેરાત અનુસાર તે બ્લેકબેરી 7.1 OS, બ્લેકબેરી ૧૦ સોફટવેર, પ્લેબુક OS 2.1 તેમજ અગાઉના વર્ઝન્સનો સપોર્ટ બંધ કરશે.

ટેકનિકલ સપોર્ટ બંધ થતાં જ બ્લેકબેરીના ફોન્સમાં કેટલાક ફંકશન્સ કામ કરવાનું બંધ કરી દેશે. જેમાં વાઈફાઈ કનેકશન, ડેટા, ફોન કોલ્સ, SMS જેવા ફીચર્સ વાપરી નહીં શકાય. મતલબ કે, ૦૪ જાન્યુઆરીથી બ્લેકબેરીના ફોન કશાય કામના નહીં રહે. કંપનીએ એક નિવેદનમાં વર્ષો સુધી પોતાની સાથે રહેલા ગ્રાહકો અને પાર્ટનર્સનો ખાસ આભાર માન્યો હતો.

બ્લેકબેરીના ફોન તેના સ્મૂધ કીબોર્ડ તેમજ સિકયોરિટી માટે બિઝનેસ કલાસ તેમજ પ્રોફેશનલ્સમાં ખાસ્સા પોપ્યુલર હતા. કંપનીએ જણાવ્યું છે કે બ્લેકબેરી લિંક, બ્લેકબેરી ડેસ્કટોપ મેનેજર અને બ્લેકબેરી બ્લેન્ડની ફંકશનાલિટી પણ ઘટી જશે. જોકે, BBM એન્ટરપ્રાઈસ અને BBM એન્ટરપ્રાઈસ ફોર ઈન્ડિવિજયુઅલ યુઝ અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

૨૦૧૩માં બ્લેકબેરીએ નવી OS સાથે ફરી માર્કેટમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા નહોતી મળી. ત્યારબાદ ૨૦૧૫માં તેણે એન્ડ્રોઈડ ડિવાઈસ બનાવવાનું શરૂ કર્યું હતું પરંતુ તેને પણ ધાર્યો રિસ્પોન્સ નહોતો મળ્યો. હવે કંપનીએ જે નિર્ણય લીધો છે તે બ્લેકબેરીનો અંત માનવામાં આવી રહ્યો છે.

(10:03 am IST)