Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રેગ્યુલર પ્રમોશનની ના પાડનારને ઇન્ક્રીમેન્ટનો હક્ક નથી

સુપ્રીમ કોર્ટની મહત્વ પૂર્ણ ટીપ્પણી

નવી દિલ્હી,તા. ૪: સુપ્રીમ કોર્ટે રેગ્યુલર પ્રમોશન લેવાની ના પાડનાર અથવા ટાળનાર કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટ બાબતે મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. સુપ્રીમે ગઇ કાલે કહ્યુ કે નિયમીત પ્રમોશન ના પ્રસ્તાવને ફગાવી દેનારા કર્મચારીઓને નાણાકીય લાભ મેળવવાનો અધિકાર નથી.
કેટલાક કર્મચારીઓ દ્વારા ૯ ઓગસ્ટ ૧૯૯૯ની ઓફીસ જાહેરાત હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એસ્યોર્ડ કેરીયર પ્રોગેશન યોજનાનો લાભ મેળવવા માટે કરાયેલ દાવાઓની સુનાવણી દરમ્યાન કોર્ટે આ વાત કરી હતી. જસ્ટીસ આર એસ રેડ્ડી અને જસ્ટીસ ઋષિકેશ રોયએ કહ્યુ કે ઉંકત યોજનામાં એવા કર્મચારીઓ માટે આગલા હાયર ગ્રેડ સુધી પ્રમોશનની જોગવાઇ છે. જેમને ૧૨ વર્ષની સેવાઓ પછી પણ પ્રમોશન નથી મળ્યુ અને બીજો હાયર ગ્રેડ ૨૪ વર્ષની સેવાઓ પછી સ્વીકાર્ય છે.
દિલ્હી હાઇકોર્ટના આદેશો સામે કેન્દ્રની અરજીઓ પર પોતાના ચુકાદાઓ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જો રેગ્યુલર પ્રમોશન આપવામાં આવે પણ કર્મચારી તે લેવાનો ઇન્કાર કરે તો તે નાણાકીય રીતે હાયર ગ્રેડનો હક્કદાર નહીં બને.
બેંચે કહ્યુ કે એ પણ જોવામાં આવે છે કે જ્યારે કોઇ કર્મચારી પ્રમોશનની ના પાડે છે તો ઉંચ્ચ પદ પર કામ કરવામાં મુશ્કેલીઓ ઉંભી થઇ શકે છે. જે પ્રશાસનીક મુશ્કેલીને જન્મ આપે છે. કેમ કે સંબંધિત કર્મચારી ઘણી વાર પોતાની જગ્યાએ રોકાઇ રહેવા માટે પ્રમોશન લેવાની ના પાડે છે.

 

(10:23 am IST)