Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શેર વેચાણના નફા પર વધી શકે છે ટેક્ષ : ૮૦ સી હેઠળ છૂટની મર્યાદા વધારવા તૈયારી

મધ્યમ વર્ગ માટે રાહત અને રોકાણકારો માટે માઠા સમાચાર

નવી દિલ્હી તા. ૪ : આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં સરકાર સ્ટોકના વેચાણથી થનારા નફા પર વધારે ટેક્ષની જોગવાઇ કરી શકે છે. તો, મધ્યમવર્ગના હાથમાં ખર્ચ કરવા માટે વધારે પૈસા આપવાની મહેચ્છા સાથે ૮૦ સીની લીમીટ પણ વધારી શકે છે. છેલ્લા બે વર્ષથી ૮૦ સી હેઠળ ટેક્ષ બચતની ૧.૫ લાખની લીમીટ વધારવાની માંગણી થઇ રહી છે. સૂત્રો અનુસાર, કોરોના કાળમાં શેરબજાર તરફ રીટેઇલ રોકાણકારોના વધી રહેલ વલણને ધ્યાનમાં રાખીને સરકાર સ્ટોક વેચાણથી થતા નફા પર પહેલા કરતા વધારે ટેક્ષ લઇ શકે છે. મંત્રાલયના સૂત્રો અનુસાર, સ્ટોકના ખરીદ - વેચાણથી છેલ્લા એક દોઢ વર્ષમાં લોકો શેરબજારમાં ભારે કમાણી કરવા લાગ્યા છે. શેર ખરીદી માટે જરૂરી ડીમેટ એકાઉન્ટની સંખ્યા બે વર્ષમાં બમણી થઇ ગઇ છે.

૨૦૧૮-૧૯માં ડીમેટ ખાતાની સંખ્યા ૩.૬ કરોડ હતી જે ગત નવેમ્બરના અંત સુધી માં ૭.૪ કરોડ થઇ ગઇ હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અસીમ ચાવલાએ જણાવ્યું કે, લોકો સ્ટોક અથવા ઇકવીટીમાં વેચાણ દ્વારા જે દરે નફો કમાય છે, તેના પર લાગતા ટેક્ષનો દર એટલો નથી.

જો કોઇ શેરને એક વર્ષથી વધારે સમય પછી વેચવામાં આવે તો તેના પર મળતા નફા પર લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્ષ ૧૦ ટકા લાગે છે. જો ૧૨ મહિના પહેલા વેચવામાં આવે તો નફા પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન ટેક્ષ ૧૫ ટકા લાગે છે. ચાવલાનું કહેવું છે કે, સરકાર એવું વિચારી રહી છે કે બે વર્ષમાં ૧૫૦ ટકા કમાણી કરનાર પર ફકત ૧૦ ટકા ટેક્ષ લાગે એવું કેમ ચાલે ?

(10:28 am IST)