Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્‍હીમાં વીકેન્‍ડ કર્ફયુ : વર્ક ફ્રોમ હોમનો નિર્ણય

કોરોનાના વધતા જતાં કેસને કાબુ લેવા ફરી ‘તાળાબંધી'ના દિવસો : નવી ગાઇડલાઇન્‍સ બહાર પડી : શુક્રવારે રાત્રે ૧૦થી સોમવારે સવારે ૫ સુધી વીકેન્‍ડ કર્ફયુ રહેશે : પ્રાઇવેટ ઓફિસો ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરશે : શનિ - રવિ કર્ફયુ રહેશે : સરકારી ઓફિસોમાં ઘરેથી કામકાજ : નાઇટ કર્ફયુ પહેલેથી ચાલુ છે

નવી દિલ્‍હી તા. ૪ : દિલ્‍હીમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્‍ચે વીકેન્‍ડ કર્ફયુ લગાવાનો નિર્ણય લીધો છે. શુક્રવાર રાતે ૧૦ વાગ્‍યાથી સોમવાર સવારે ૫ વાગ્‍યા સુધી કર્ફયુ રહેશે. આ દરમિયાન બિનજરૂરી કામો માટે ઘરની બહાર નીકળવાપર પ્રતિબંધ હશે તેમજ નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસોમાં વધુમાં વધુ ૫૦ ટકા અધિકારીઓની જ ઉપસ્‍થિતિ રહેશે. કોરોનાના કારણે મેટ્રો અને બસમાં યાત્રીકોની સંખ્‍યા મર્યાદિત કરી દેવામાં આવી હતી. જેને હટાવી દેવામાં આવ્‍યું છે. હવે ફરી મેટ્રો અને બસ ફુલ કેપેસિડી સાથે ચાલી શકશે. યાત્રીકોને માસ્‍ક વગર એન્‍ટ્રી મળશે નહિ. દિલ્‍હીમાં ઓમીક્રોન વેરિએન્‍ટના તેજીથી વધતા કેસોને ધ્‍યાનમાં રાખીને દિલ્‍હી - ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીની બેઠકમાં આ નિર્ણયો પર મ્‍હોર લગાવામાં આવી. દિલ્‍હીના ઉપમુખ્‍યમંત્રી મનીષ સીસોદિયાએ પત્રકાર પરીષદમાં જાણકારી આપી.
સિસોદિયાએ કહ્યું કે શનિવાર અને રવિવારે વીકએન્‍ડ કફર્યુ દરમિયાન ફક્‍ત આવશ્‍યક કામોને જ મંજૂરી આપવામાં આવશે, એટલે કે બિનજરૂરી હિલચાલ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્‍યક સેવાઓ સિવાય, અન્‍ય તમામ સરકારી કચેરીઓને ‘વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવા માટે કહેવામાં આવ્‍યું છે, તો પછી ખાનગી ઓફિસોમાં મહત્તમ ૫૦ ટકા હાજરી મર્યાદા લાગુ થશે.
પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટમાં લોકોને પડી રહેલી સમસ્‍યાઓને ધ્‍યાનમાં રાખીને દિલ્‍હી સરકારે બસ અને મેટ્રોને ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપી છે. સિસોદિયાએ કહ્યું કે બસો અને મેટ્રો ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચાલશે, પરંતુ દરેક માટે માસ્‍ક પહેરવું ફરજિયાત છે. તેમણે કહ્યું કે મેટ્રો સ્‍ટેશનની બહાર અને બસ સ્‍ટોપ પર ભીડને નિયંત્રિત કરવા માટેઆ નિર્ણય લેવામાં આવ્‍યો છે. સોમવારે જયારે દિલ્‍હીમાં કોરોનાના ૪,૦૯૯ કેસ નોંધાયા હતા, ત્‍યારે સકારાત્‍મકતા દર વધીને ૬.૪૬ ટકા થઈ ગયો હતો. દિલ્‍હીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈને કહ્યું હતું કે ૩૦ અને ૩૧ ડિસેમ્‍બરે દિલ્‍હીમાં જીનોમ સિક્‍વન્‍સિંગ માટે મોકલવામાં આવેલા ૮૫ ટકા સેમ્‍પલમાં ઓમિક્રોન વેરિઅન્‍ટ જોવા મળ્‍યું હતું. તેમણે કહ્યું હતું કે જો હોસ્‍પિટલોમાં દર્દીઓની સંખ્‍યા વધશે તો વધુ નિયંત્રણો લાદવામાં આવશે.
રાજધાનીમાં નવા કેસની સંખ્‍યા અને સકારાત્‍મકતા દર ૧૮ મે પછી સૌથી વધુ છે. DDMA ના ગ્રેડેડ એક્‍શન પ્‍લાન હેઠળ, જો સળંગ બે દિવસ સુધી હકારાત્‍મકતા દર ૫ ટકાથી વધુ હોય તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે,  દિલ્‍હી સરકારના જણાવ્‍યા અનુસાર, હાલમાં હોસ્‍પિટલોમાં માત્ર ૪૨૦ બેડ ભરેલા છે, જયારે અહીં કોરોના દર્દીઓ માટે ૯,૦૨૯ બેડ તૈયાર કરવામાં આવ્‍યા છે. ૧૨૪ દર્દીઓને ઓક્‍સિજનની જરૂર છે અને ૭ વેન્‍ટિલેટર પર છે.

 

(3:24 pm IST)