Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મુંબઈમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા : 89 ટકામાં દર્દીઓમાં કોઈ લક્ષણો નથી

મુંબઈમાં સોમવાર કરતાં નવા કેસમાં 34 ટકાનો ઉછાળો : હાલમાં 16 કન્ટેઈનમેન્ટ ઝોન છે અને 389 ઈમારતો સીલ કરાઈ

મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મંગળવારે 10860 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જે સોમવાર કરતાં 34 ટકા વધુ છે. જો કે, આમાંથી 89 ટકા કેસોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આજે આવેલા નવા દર્દીઓમાંથી 834ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમાંથી 52ને ઓક્સિજનની જરૂર છે. જ્યારે બે દર્દીઓના મૃત્યુ પણ થયા છે. આરોગ્ય વિભાગે કુલ 49661 કોવિડ ટેસ્ટ પણ કર્યા છે.

 મુંબઈમાં વધી રહેલા મામલાઓની વચ્ચે એનડીટીવી સાથે વાત કરતા BMCના મેયરે કહ્યું છે કે જો ઓમિક્રોનની સુનામી આવે તો પણ અમે તેનો સામનો કરવા તૈયાર છીએ. મહારાષ્ટ્રના 70 ટકાથી વધુ કેસ મુંબઈમાં જ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કડક નિયંત્રણો વચ્ચે આ કેસ વધી રહ્યા છે.

હેલ્થ બુલેટિન અનુસાર, મુંબઈમાં રિકવરી રેટ 92 ટકા છે અને 28 ડિસેમ્બર 2021થી 3 જાન્યુઆરી 2022 સુધી કોવિડ કેસનો વૃદ્ધિ દર 0.63 ટકા છે. જ્યારે ડબલિંગ દર 110 દિવસ છે. હાલમાં 16 કન્ટેઈનમેન્ટ ઝોન છે અને 389 ઈમારતો સીલ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 31015 લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે.

(9:33 pm IST)