Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દિવસે શાર્દુલ ઠાકુરે 7 વિકેટ ખેડવી: દક્ષિણ આફ્રિકા 229 રનમાં ઓલઆઉટ : પૂજારા-રહાણેએ રંગ રાખ્યો

ભારતે બીજા દાવમાં 2 વિકેટ ગુમાવી દીધી, લીડ 50ને પાર કરી ગઈ

જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દિવસે આ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતાઓ ઉભી થઈ છે. બીજા દિવસે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 229 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાને ચોક્કસપણે 27 રનની લીડ મળી હતી પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ઝડપી બેટિંગ કરી હતી.

ભારતે બીજા દાવમાં શરૂઆતમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ઝડપી બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને 2 વિકેટે 85 રન સુધી પહોંચાડી દીધી હતી. રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે 58 રનની મહત્વની લીડ છે. પૂજારા 35 અને રહાણે 11 રને અણનમ છે.

બીજા દિવસે, શાર્દુલ ઠાકુરે તેના તરખાટના જોરે વર્ચસ્વ જમાવ્યું હતું. જમણા હાથના ફાસ્ટ બોલરે માત્ર 61 રનમાં 7 વિકેટ ઝડપી હતી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.તે દક્ષિણ આફ્રિકા સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર પણ બન્યો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી કીગન પીટરસન અને ટેમ્બા બાવુમાએ બેટિંગ કરીને પોતાની તાકાત બતાવી હતી. કીગને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી અને 62 રન બનાવ્યા. ટેમ્બા બાવુમાએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. માર્કો યેન્સન, વેરીન અને મહારાજે પણ 21-21 રનની ઇનિંગ રમી હતી.

 

બીજા દાવમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન કેએલ રાહુલ 7મી ઓવરમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે માર્કો યેન્સનની બોલ પર ખરાબ શોટ રમ્યો હતો અને સ્લિપમાં ઉભેલા માર્કરમે તેનો કેચ પકડ્યો હતો. બીજા ઓપનર મયંક અગ્રવાલે સારા શોટ રમ્યા અને 5 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ એક ખરાબ નિર્ણયથી તેની ઇનિંગ્સનો અંત આવ્યો.

મયંક અગ્રવાલે 12મી ઓવરમાં ડુઆન ઓલિવિયરની સીધી ડિલિવરી છોડી અને અમ્પાયરે તેને એલ્બડબલ્યુ આપ્યો હતો. મયંક 23 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અત્યંત ખરાબ ફોર્મમાં રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર ઉતર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ બધાને ચોંકાવી દીધા અને ઝડપી રન બનાવ્યા. આ જમણા હાથના બેટ્સમેને બહુ ઓછા સમયમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ઘણા આક્રમક શોટ રમ્યા.

બીજી તરફ અજિંક્ય રહાણે પણ સારી લયમાં જોવા મળ્યો હતો. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે માત્ર 52 બોલમાં 41 રનની ભાગીદારી કરી હતી.

દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ કલાક સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ બોલ શાર્દુલ ઠાકુરના હાથમાં આવતાની સાથે જ રમત સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી. શાર્દુલે તેની 5 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે ડીન એલ્ગર, પીટરસન અને દુસાનની વિકેટ લીધી હતી. તેમ્બા બાવુમાએ લંચ બાદ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી હતી.

આ જમણા હાથના બેટ્સમેને અડધી સદી ફટકારી હતી. પરંતુ શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકાની કોઈપણ જોડીને મોટા રન બનાવવા દીધા ન હતા. શાર્દુલ ઠાકુરે ટેમ્બા બાવુમાની વિકેટ લીધી, તેની કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી અને છેલ્લી બે વિકેટ લઈને તેણે દક્ષિણ આફ્રિકાના કોઈપણ એશિયન બોલર કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું.

(10:36 pm IST)