Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પટિયાલાથી કોંગ્રેસના લોકસભાના સાંસદ પરનીત કૌરને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં સસ્પેન્ડ:ત્રણ દિવસમાં ખુલાસો કરવા નોટીસ

પટિયાલાથી કોંગ્રેસના લોકસભા સાંસદ પરનીત કૌરને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રનીત કૌર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. શુક્રવારે કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે પરનીત કૌરને પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિએ પરનીત કૌરને કારણ બતાવો નોટિસ જારી કરીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા કહ્યું છે કે તેને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં ન આવે

   અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિના સભ્ય સચિવ તારિક અનવર દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વેડિંગે ફરિયાદ કરી હતી કે કૌર ભાજપને મદદ કરવાના ઉદ્દેશ્યથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે એમ પણ જણાવે છે કે પાર્ટીના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ આવી ફરિયાદો કરી હતી.

  ઘણા સમયથી પ્રનીત કૌરને કોંગ્રેસમાંથી હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. પાર્ટીની બેઠકમાં આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. પંજાબની ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી હતી. પંજાબ કોંગ્રેસે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે સાંસદ પરનીત કૌર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતી

(9:20 pm IST)