Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

GSTમાં હવે ૩ વર્ષના રીટર્ન ભરી શકવાનો નિયમ લાગુ કરવામાં આવશે ITમાં એક જ વર્ષના રીટર્ન ભરવાનો નિયમ બાદ GSTમાં અમલ

નવી દિલ્‍હી,તા. ૪ : ઇન્‍કમટેક્‍સમાં જે પ્રમાણે  છેલ્લા એક વર્ષનું રીટર્ન ભરી શકાતુ હોય છે. ત્‍યાર પછીના વર્ષના રીટર્ન ભરવા માટેની ખાસ કિસ્‍સામાં મંજુરી લેવી પડતી હોય છે. તે જ પ્રમાણે નો નિયમ જીએસટીમાં લાગુ કરવામાં આવનાર છે. જોકે તેના માટે ત્રણ વર્ષના જ રીટર્ન ભરી શકવાનો નિયમ લાગુ કરવામાં આવશે.

જુલાઇ ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્‍યા બાદ આજ દિન સુધી રીટર્ન ભરવા માટેની ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નહોતી. જો કે બોગસ બિલીંગ અટકાવવા માટે છેલ્લા બે ૩ બી રીટર્ન નહીં ભરનારનો જીએસટી નંબર સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતો હતો. પરંતુ તે કરદાતા રીટર્ન ભરી દે તો તેનો જીએસટી નંબર પહેલાની માફક કાર્યરત થઇ જતો હતો. તેના બદલે હવે પાછલા ત્રણ જ વર્ષના રીટર્ન ભરી શકવાનો નિયમ લાવવામાં આવનાર છે. તેનો અમલ આગામી એક એપ્રિલ બાદ થવાનો છે.કારણ કે બજેટમાં પણ તેની જોગવાઇ કરી દેવામાં આવી છે. તેના લીધે ત્રણ વર્ષ પહેલાના જ રીટર્ન ભરી શકાશે. તે પહેલાના રીટર્ન ભરી શકાશે નહીં તેમજ આવા કિસ્‍સામાં જીએસટી નંબર પણ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.

હજુ અનેક કરદાતાઓના ૨૦૧૭ના રીટર્ન પણ બાકી

જીએસટીમાં રીટર્ન ભરવા માટેની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહીં હોવાના કારણે હજુ પણ અનેક કરદાતાઓના વર્ષ ૨૦૧૭ના રીટર્ન ભરવાના બાકી હોવાની વિગતો જાણવા મળી છે. જ્‍યારે આ નિયમ લાગુ કરવાના કારણે કરદાતાઓએ સમયસર રીટર્ન ભરતા થાય તે દિશામાં પણ સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો છે.

ઇન્‍કમટેક્‍સ અને જીએસટી રીટર્નની ઉલટ તપાસ પણ થશે

આ નિયમ લાગુ કરવા પાછળનો હેતુ એવો પણ છે કે કરદાતાઓના ઇન્‍કમટેકસ અને જીએસટી રીટર્નની પણ તેના થકી ઉલટ તપાસ કરવામાં આવશે. જો કે આ માટેની વ્‍યવસ્‍થા તો કરી દેવામાં આવી જ છે પરંતુ કેટલાક જ કિસ્‍સામાં તેની તપાસ થતી હોય છે. જ્‍યારે હવે કરદાતાઓના તમામ રીટર્નના ઉલટ તપાસ કરીને આવક વધારવામાં આવનાર છે.

(10:49 am IST)