Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભારતનો પહેલો ટ્રાન્‍સમેલ પ્રેગ્નન્‍ટઃ કેરળના ટ્રાન્‍સજેન્‍ડર કપલે આપ્‍યા સારા સમાચારઃ જોવા મળ્‍યો બેબી બમ્‍પ

કોચી,તા ૪ : કેરળના ટ્રાન્‍સ કપલ ઝાહદ ફાઝીલ અને જિયા પાવલના ઘરેથી ખુશીના સમાચાર સામે આવ્‍યા છે. કપલે તેમના ઈન્‍સ્‍ટાગ્રામ પેજ પર પોતાની પ્રેગ્નન્‍સીની જાહેરાત કરી છે. કપલે તેમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. દાવો કર્યો કે, આ ભારતની પ્રથમ ટ્રાન્‍સમેન પ્રેગ્નન્‍સી છે. ડિલિવરીની તારીખ માર્ચ જણાવવામાં આવી રહી છે.

જિયા અને ઝાહદ બંને છેલ્લા ૩ વર્ષથી સાથે રહે છે. જિયા એક પુરુષ તરીકે જન્‍મી અને સ્ત્રી બની છે. ઝહાદ એક સ્ત્રી તરીકે જન્‍મ્‍યો હતો અને પુરુષ બન્‍યો હતો. ટ્રાન્‍સ દંપતીએ નિર્ણય લીધો છે કે, બાળકને મિલ્‍ક બેંકમાંથી માતાનું દૂધ પીવડાવવામાં આવશે.

હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝહાદ ભારતમાં બાળકને જન્‍મ આપનાર પ્રથમ ટ્રાન્‍સમેન બનશે. હિંદુસ્‍તાન ટાઈમ્‍સના રિપોર્ટ અનુસાર, સર્જરી દરમિયાન ઝહાદના બ્રેસ્‍ટ કાઢી નાખવામાં આવ્‍યા હતા. જોકે તેના ગર્ભાશય અને અન્‍ય કેટલાક અંગો કાઢવામાં આવ્‍યા ન હતા. જેના કારણે તેઓ હવે ગર્ભ ધારણ કરવામાં સક્ષમ બન્‍યા છે.

જિયાએ પોતાની ઈન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટમાં લખ્‍યું કે, ‘હું જન્‍મથી કે મારા શરીરથીસ્ત્રી નહોતી, મારી અંદર એકસ્ત્રી હતી. તેનું સપનું હતું કે, મારે પણ એક બાળક હોવું જોઈએ અને તે મને મા' કહીને કોઈ બોલાવે.'

મનોરમાના એક અહેવાલ મુજબ, દંપતીએ પહેલા એક બાળકને દત્તક લેવાની યોજના બનાવી હતી. તેમણે સમગ્ર પ્રક્રિયા વિશે પણ પૂછપરછ કરી હતી, પરંતુ કાયદાકીય કાર્યવાહી તેમના માટે ખૂબ જ પડકારજનક હતી, કારણ કે તેઓ ટ્રાન્‍સજેન્‍ડર કપલ હતા.

(10:56 am IST)