Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

૨૦૨૨માં ૧૨ કરોડ ટુરિસ્‍ટો ગુજરાતમાં આવ્‍યા

કોરોના બાદ ગુજરાતમાં ફાટયો પ્રવાસીઓનો રાફડો રાજ્‍યમાં પ્રવાસન સ્‍થળો વધતા પ્રવાસીની સંખ્‍યામાં વધારો

 

નવી દિલ્‍હી, તા.૪: ગુજરાતમાં આવતાં સ્‍થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્‍યામાં વધારો નોંધાયો છે. ૨૦૧૯ સરખામણીએ વર્ષ ૨૦૨૨માં પ્રવાસીઓની સંખ્‍યા ડબલ થઈ ગઈ છે. એટલે કે કોરોના પહેલા ગુજરાતમાં જે પ્રવાસીઓ આવતા હતા તેનાથી બમણો વધારો જોવા મળી રહ્યો છે. આ અંગેની માહિતી રાજ્‍ય પ્રવાસન વિભાગના સેક્રેટરી હારિત શુક્‍લાએ આપી છે.તેમણે જણાવ્‍યું કે, કોરોના પહેલા વર્ષ ૨૦૧૯માં આવેલા પ્રવાસીઓની સંખ્‍યા ૬ કરોડ જેટલી હતી, જે કોરોના સંક્રમણના બે વર્ષમાં ઘટીને વર્ષ ૨૦૨૦માં ૧.૯૪ કરોડ અને વર્ષ ૨૦૨૧માં ૨.૪૫ કરોડ જેટલી થઈ ગઈ હતી. જે બાદ હવે રાજ્‍યમાં પ્રવાસીઓની સંખ્‍યા વધી છે. રાજ્‍યમાં વર્ષ ૨૦૨૨માં અંદાજે ૧૨ કરોડ જેટલા પ્રવાસીઓ આવ્‍યા છે.  હારિત શુક્‍લાએ જણાવ્‍યું કે, ગુજરાતમાં પ્રવાસન સ્‍થળો વધતા ટુરીસ્‍ટોની સંખ્‍યા બમણી થઇ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, કચ્‍છનું સફેદ રણ, મુખ્‍ય યાત્રાધામો, સાસણ ગીર, વિવિધ અભ્‍યારણ્‍યો અને જંગલ સફારી જેનવા નવા ડેસ્‍ટીનેશનમાં મુલાકાતીઓની સંખ્‍યા વધતી જાય છે.

ભારત સરકારના ઈન્‍ડિયા ટુરિઝમ સ્‍ટેટેસ્‍ટીક્‍સ ૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્‍યમાં વર્ષ ૨૦૨૦માં આવેલા કુલ ટુરિસ્‍ટોમાં બે લાખ જેટલા વિદેશીઓ હતા, જ્‍યારે ત્‍યાર પછીના વર્ષે એટલે કે ૨૦૨૧માં આ સંખ્‍યામાં ઘટાડો નોંધાયો હતો. કોરોના સંક્રમણના કારણે વિદેશી પ્રવાસીઓની સંખ્‍યા ઘટી હતી. વર્ષ ૨૦૨૧માં માત્ર ૧૨૦૦૦ પ્રવાસીઓ જ ગુજરાતના પ્રવાસે આવ્‍યા હતા.

(12:22 pm IST)