Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

૮૦ કરોડ લોકોને ૫ વર્ષ મફત અનાજ આપી શકાય એટલુ નુકશાન અદાણીને થયુ

પાંચ રેલ્‍વે બજેટ જેટલુ નુકશાન થયુ અદાણી ગ્રુપને

નવી દિલ્‍હી, તા.૪: હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્‍યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર પાનખરમાં વળક્ષોના પાંદડાની જેમ ખરી પડ્‍યા છે. ૨૪ જાન્‍યુઆરી, ૨૦૨૩ થી, અદાણી ગ્રૂપના શેર દરરોજ તૂટયા અને એવી રીતે તૂટયા કે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાંથી ટોપ-૨૦માંથી બહાર થઈ ગયા. શેરોમાં ઘટાડાને કારણે અદાણી ગ્રુપની માર્કેટ મૂડી (M-cap)માં અત્‍યાર સુધીમાં રૂ. ૧૦ લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. આ રકમ કેટલી મોટી છે, તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતીય રેલવેનું બજેટ ૨.૪૦ લાખ કરોડ છે, જ્‍યારે અદાણી ગ્રુપનું નુકસાન ૧૦ લાખ કરોડનું છે. લગભગ પાંચ ગણું વધુ.

હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્‍યા બાદ ગૌતમ અદાણીનું સામ્રાજ્‍ય કઈ ઝડપે ડૂબી ગયું છે તે સમજીએ. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતનું કુલ બજેટ ૪૫.૦૩ લાખ કરોડ છે. આટલી જંગી રકમમાંથી લગભગ એક ચતુર્થાંશ એટલે કે ૧૦ લાખ કરોડ રૂપિયા અદાણી જૂથને માત્ર દસ દિવસમાં જ ખોવાઈ ગયા છે. અદાણી ગ્રૂપની ખોટ ભારતના ૪ લાખ ૩૨ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ બજેટ કરતાં બમણી છે.

અદાણી ગ્રૂપે ૧૦ દિવસમાં જેટલું નુકસાન સહન કર્યું છે તેનાથી ભારતના ૮૦ કરોડ લોકોને લગભગ પાંચ વર્ષ સુધી મફત રાશન મળ્‍યું હશે. કેન્‍દ્ર સરકારે ૨૦૨૩ માટે પીએમ ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્‍યું છે અને અદાણી ગ્રુપનું નુકસાન ૧૦ લાખ કરોડ રૂપિયા છે. કળષિ, આરોગ્‍ય, આરોગ્‍ય, શિક્ષણ, ફૂડ સબસિડી, પેન્‍શન, ગ્રામીણ વિકાસના કુલ બજેટમાં જો ઉમેરો કરવામાં આવે તો પણ તે અદાણી જૂથને થયેલા નુકસાનની બરાબર પહોંચતું નથી. એક રિપોર્ટ સામે આવ્‍યા બાદ જ આ બધું થયું છે.

અમેરિકન ફોરેન્‍સિક ફાઇનાન્‍શિયલ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને પોતાના રિસર્ચ રિપોર્ટમાં ઘણા ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે. આમાં કુલ ૮૮ પ્રશ્‍નો ઉઠાવવામાં આવ્‍યા છે અને ગ્રુપ પરની લોનને લઈને મોટા દાવા પણ કરવામાં આવ્‍યા છે. અદાણી ગ્રુપઃ હાઉ ધ વર્લ્‍ડસ થર્ડ રિચેસ્‍ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્‍ટ કોન ઇન કોર્પોરેટ હિસ્‍ટ્રીઃ નામનો આ રિપોર્ટ ૨૪ જાન્‍યુઆરી, ૨૦૨૩ના રોજ પ્રકાશિત થયો હતો. જોકે હિંડનબર્ગના સવાલોના જવાબ અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્‍યા હતા, પરંતુ આ પછી પણ તેમના શેર વેચવાની પ્રક્રિયા અટકી નથી.

વૈશ્વિક એજન્‍સી મૂડીઝે પણ તેના અહેવાલમાં કહ્યું છે કે હિંડનબર્ગના અહેવાલ પછી તે અદાણી જૂથની નાણાકીય સુગમતાનું મૂલ્‍યાંકન કરી રહી છે. મૂડીઝ યુનિટ ICRA એ જણાવ્‍યું હતું કે તે અદાણી જૂથ પર તાજેતરના વિકાસની અસરનું નિરીક્ષણ અને મૂલ્‍યાંકન કરી રહ્યું છે. મૂડીઝના જણાવ્‍યા અનુસાર, વર્તમાન પ્રતિકૂળ વિકાસ' આગામી ૧-૨ વર્ષમાં કેપેક્‍સ ફંડ માટે મૂડી એકત્ર કરવાની અથવા પાકતા ડેટને પુનર્ધિરાણ કરવાની અદાણી જૂથની ક્ષમતામાં ઘટાડો કરી શકે છે.

બીજી તરફ રેટિંગ એજન્‍સી ફિચનું કહેવું છે કે હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની ક્રેડિટ પ્રોફાઈલને તાત્‍કાલિક અસર થઈ નથી. ક્રેડિટ રેટિંગ એજન્‍સી ફિચનું કહેવું છે કે અમે અદાણી ગ્રુપની કંપનીઓના કેશ ફ્‌લો પર નજર રાખી રહ્યા છીએ. નજીકના ગાળામાં રિફાઇનાન્‍સિંગ રિસ્‍ક કે લિક્‍વિડિટી રિસ્‍ક દેખાતું નથી. ફિચે કહ્યું કે તે રેટેડ એકમોના લાંબા ગાળા માટે ધિરાણના ખર્ચમાં કોઈ મોટા ફેરફારો પર પણ નજર રાખી રહ્યું છે.

(4:03 pm IST)