Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જમ્‍મુ-કાશ્‍મીરના નઈ બસ્‍તી ગામમાં મકાનોમાં તિરાડ : ૧૯ પરિવારોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડાયા

૧ મસ્‍જિદ અને ૧ મદરેસાને પણ ખાલી કરાવાયા : સ્‍થાનિકોમાં ભયનો માહોલ

શ્રીનગર તા.૪ : જમ્‍મુ-કાશ્‍મીરના ડોડા જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્‍યું છે. જિલ્લાના એક ગામની જમીન ધસી રહી છે, જેના કારણે ઈમારતોમાં તિરાડો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા હાલ ડોડા વિસ્‍તારમાં રહેતા અસરગ્રસ્‍ત પરિવારને સ્‍થળાંતર કરવામાં આવી રહ્યાં છે લોકોને તેમના ઘરોથી સુરક્ષિત સ્‍થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્‍યાર સુધીમાં ૧૯ મકાનો, ૧ મસ્‍જિદ અને ૧ મદરેસાને ખાલી કરાવવામાં આવ્‍યા છે. સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે.

ડોડા શહેરથી ૩૫ કિલોમીટર દૂર કિશ્‍તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા નઈ બસ્‍તી ગામમાં ઘરોની દિવાલોમાં તિરાડો પડી રહી છે. ડોડાના ઝપ્‍ અતહર અમીન જરગરના જણાવ્‍યા પ્રમાણે શુક્રવારે ડોડા જિલ્લાના નઈ બસ્‍તી ગામના ઘરોમાં તિરાડ પડ્‍યાની ઘટના બની છે. આ તિરાડ કેવી રીતે પડી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં ૧૯ ઘરોમાં તિરાડો જોવા મળી છે.

અધિકારીઓએ જણાવ્‍યું કે, તિરાડ પડ્‍યા બાદ અત્‍યાર સુધીમાં ૧૯ પરિવારોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે. ગામના એક મદરેસા અને એક મસ્‍જિદને પણ અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. બે મહિના પહેલા ગામના કેટલાક મકાનોમાં તિરાડો પડવા લાગી હતી, પરંતુ ગુરુવારના ભૂસ્‍ખલનથી પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ હતી.

માહિતી મળ્‍યા પછી ડેપ્‍યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે ગામની મુલાકાત લીધી અને અસરગ્રસ્‍ત પરિવારોને શક્‍ય તમામ મદદની ખાતરી આપી હતી. ઘણા પરિવારોને હાલ કેમ્‍પમાં સ્‍થાળાંતર કરવામાં આવ્‍યા છે, જયારે ઘણાં તેમના સગા-સબંધીના ઘરે પહોંચી ગયા હતા.ᅠ

આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજમાર્ગના ભૂસ્‍તરશાષાીયને પણ આ ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્‍યા છે. તપાસ અહેવાલ બાદ જ આગામી યોજનાને ઘડવામાં આવશે.

 

(4:08 pm IST)