Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પાકિસ્‍તાનમાં હવે ઈંધણ ખત્‍મ થવાના આરે : ઓઇલ કંપનીઓએ શહબાઝને આપી ચેતવણી

હાલમાં ૨૫૦ રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે પેટ્રોલ : ઓઇલ ઉદ્યોગો પડી ભાંગશે

મુંબઇ તા. ૪ : પાકિસ્‍તાનની મુશ્‍કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે. દેશની ઓઇલ કંપનીઓએ ચેતવણી આપી છે કે ઓઇલ ઉદ્યોગ સંપૂર્ણ પતનની આરે પહોંચી ગયો છે. કંપનીઓનું કહેવું છે કે ડોલરની ઉપલબ્‍ધતા અને સતત ઘટી રહેલા રૂપિયાના ભાવને કારણે ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. કંપનીઓના મતે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને પાકિસ્‍તાનનો ઓઈલ ઈન્‍ડસ્‍ટ્રી સંપૂર્ણપણે પડી ભાંગશે. દેશ ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડની મદદની રાહ જોઈ રહ્યો છે. પરંતુ એવું લાગે છે કે પાકિસ્‍તાનને આ મદદ જલ્‍દી મળવાની નથી. પેટ્રોલ કંપનીઓને તાળા મારવાનો અર્થ છે પાકિસ્‍તાનની અર્થવ્‍યવસ્‍થાનું પતન. આ પહેલીવાર છે જયારે દેશ આટલા મોટા તેલ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

દેશની શાહબાઝ સરકારે આઇએમએફની શરત પૂરી કરવા માટે ડોલરની મર્યાદા હટાવી દીધી. પરિણામે રૂપિયો ઘટીને રૂ.૨૭૬.૫૮ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્‍યો હતો. પાકિસ્‍તાનની ઓઈલ એન્‍ડ ગેસ રેગ્‍યુલેટરી ઓથોરિટી અને ઉર્જા મંત્રાલયને પત્ર લખ્‍યો છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે ઓઇલ કંપની એડવાઇઝરી કાઉન્‍સિલએ કહ્યું છે કે રૂપિયાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

એડવાઇઝરી કાઉન્‍સિલના જણાવ્‍યા અનુસાર, તેમના લેટર ઓફ ક્રેડિટ જ્‍યારે સંબંધિત પ્રોડક્‍ટનું વેચાણ થઈ ગયું હોય' ત્‍યારે નવા દરો પર ફિક્‍સ થવાની અપેક્ષા છે. પાકિસ્‍તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે સરકારે એલસી પર પણ પ્રતિબંધ મૂક્‍યો છે. ૨૭ જાન્‍યુઆરી સુધીમાં, દેશની વિદેશી હૂંડિયામણની અનામત માત્ર ત્રણ અબજ ડોલરથી વધુ હતી. આ રકમ માત્ર ૧૮ દિવસની જરૂરિયાતો પૂરી કરી શકશે.

પાકિસ્‍તાન હાલમાં પેમેન્‍ટ બેલેન્‍સની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે આયાતી માલના ભાવ આસમાને છે. પાકિસ્‍તાનના આયાત બિલનો મોટો હિસ્‍સો એનર્જીનો છે. પાકિસ્‍તાન સામાન્‍ય રીતે આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગ પૂરી કરે છે. જયારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્‍યારથી એનર્જી ઘણી મોંઘી થઈ ગઈ છે

(4:09 pm IST)