Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાતની વિશ્વકર્મા પૂજા સતપાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતના ખાતામાં ત્રીજો મેડલ અપાવ્યો

અમદાવાદ ; ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની વધુ એક દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે

  ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરાયું છે, આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે

   બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો છે. .

   શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.

  ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી .

(8:58 pm IST)