Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સંઘ આવ્યું ગૌતમ અદાણીના સમર્થનમાં: મુખપત્રમાં ,'હિંડનબર્ગ રિપોર્ટને ડાબેરી લોબીનું કાવતરું ગણાવ્યું

અદાણી ગ્રુપ પર હુમલો 25 જાન્યુઆરી 2023થી નહીં પરંતુ તેને નિશાન બનાવવા ઘણા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં 2016-17માં કહાની બનાવાઈ હતી: NGO અને વેબસાઈટના નામનો પણ લેખમાં ઉલ્લેખ

નવી દિલ્હી :ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના અહેવાલે શેરબજારથી લઈને સમગ્ર દેશના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. અદાણી ગ્રુપના મુદ્દાએ વિપક્ષી પાર્ટીઓને સંસદમાં એક થવાની તક પણ આપી છે અને તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાની તપાસ માટે જેપીસીની રચનાની માંગ સાથે સંસદની અંદર સતત હંગામો મચાવી રહી છે અને સરકાર પર નિશાન સાધી રહી છે.દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ મેગેઝિન, ઓર્ગેનાઈઝર અદાણી જૂથના સમર્થનમાં બહાર આવ્યું છે.

આરોપ લગાવ્યો છે કે ગૌતમ અદાણીને નિશાન બનાવીને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓર્ગેનાઈઝરમાં 'હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ સામેની હિટ જોબનું ડીકોડિંગ' શીર્ષકવાળા લેખમાં ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટ વિશે વિગતવાર અહેવાલ આપવામાં આવ્યો છે.

 

આ રિપોર્ટમાં RSSનું મુખપત્ર કહેવાતા મેગેઝિન ઓર્ગેનાઇઝરે એવો પણ આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપ પર હુમલો 25 જાન્યુઆરી 2023થી શરૂ થયો ન હતો, પરંતુ તેને નિશાન બનાવવાની કહાની ઘણા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં 2016-17માં બનાવવામાં આવી હતી, અને આ માટે એક NGOએ વેબસાઈટ પણ ચલાવી છે. આ NGO અને વેબસાઈટના નામનો પણ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

ઓર્ગનાઈઝરે સંપૂર્ણ આયોજન સાથે હિંડનબર્ગ રિપોર્ટ બનાવ્યો તે હકીકત પર પ્રકાશ પાડતા લખવામાં આવ્યું છે કે રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારતમાં એક લોબીએ અદાણી વિરુદ્ધ નકારાત્મક નિવેદન તૈયાર કર્યું છે. આ લેખમાં અનેક વિદેશી એનજીઓ તેમજ ભારતીય એનજીઓ, સીપીએમ નેતા સીતારામ યેચુરીની પત્ની અને અન્ય કેટલાક પત્રકારો તેમજ ઉદ્યોગપતિઓના નામ આપવામાં આવ્યા છે. ઓર્ગેનાઈઝરના આ લેખમાં ઘણી બધી લિંક્સને જોડીને અને ફંડિંગ પેટર્નને ટાંકીને અદાણી વિરુદ્ધ સુનિયોજિત ષડયંત્ર રચવાની વાત કરવામાં આવી છે.

 

ઓર્ગેનાઈઝરે લેખમાં લખ્યું છે કે અદાણીની પાછળ ડાબેરી લોબી છે. હિંડનબર્ગ રિપોર્ટ અંગે લેખમાં કહેવામાં આવ્યું છે કે અદાણી વિરુદ્ધ આ એક સુનિયોજિત કાવતરું છે. સંઘના મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે આ હુમલો ભારત વિરોધી જ્યોર્જ સોરોસે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ થાઈલેન્ડ પર જે રીતે કર્યો હતો અને તેમને બરબાદ કરી દીધા હતા તેના જેવા જ છે.

(10:00 pm IST)