Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

યોગી આદિત્યનાથને ફરી મળી મારી નાખવાની ધમકીઃ ૪ દિવસ બચ્યા છે જે કરવું હોય કરી લો

લખનઉ, તા.૪:  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એક વાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે. ઉત્તર પ્રદેશ પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ ૧૧૨ના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. જોકે આ પહેલી વાર નથી જયારે યોગી આદિત્યનાથે આ ધમકી મળી છે. તેમ છતાંય પોલીસ વિશેષ સતર્કતા રાખી રહી છે. પોલીસે આ મામલામાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઈને કેસ પણ નોંધી દીધો છે અને નંબરની તપાસ કરી આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.

મળતી જાણકારી મુજબ, ૨૯ એપ્રિલે મોડી સાંજે પણ ઉત્તર પ્રદેશ પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ ૧૧૨ વોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યકિતએ મેસેજ મોકલીને રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીની પાસે ૪ દિવસ બચ્યા છે, તેથી આ ૪ દિવસમાં મારું જે કરવાનું છે એ કરી લો, પાંચમા દિવસે તે મુખ્યમંત્રી યોગીને મારી નાખશે.

ધમકીવાળો મેસેજ મળ્યા બાદ પોલીસ બેડામાં હોબાળો મચી ગયો. તાત્કાલિક ધમકી આપનાર નંબરની તપાસ કરવા માટે સર્વેલન્સ ટીમને લગાડવામાં આવી. સંદિગ્ધની વિરુદ્ઘ લખનઉની સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કન્ટ્રોલ રૂમ ડાયલ ૧૧૨ના ઓપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી છે, જે સર્વેલન્સ ટીમની મદદ લઈને આરોપીને ટૂંક સમયમાં પકડવાના પ્રયાસમાં લાગી ગઈ છે.

(10:45 am IST)