Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કેન્દ્રએ રાજયોને આપી સલાહ

જયાં સંક્રમણ વધુ ત્યાં ૧૪ દિ'નું લોકડાઉન લાદો

૧૦ ટકાથી વધુ સંક્રમણ દરવાળી જગ્યાએ લોકડાઉન જરૂરી છે કે જેથી કોરોનાની ચેઇન તુટે

નવી દિલ્હી, તા.૪: કોરોના વાયરસ મહામારીને ગતિને જોતાં કેન્દ્રએ રાજયોને કહ્યું છે કે જે જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં ૧૪ દિવસનું કડક લોકડાઉન લગાવવામાં આવે. સંક્રમણની કડીને તોડવામાં તેનાથી મદદ મળશે. આ નિયમ એ જગ્યાઓ માટે લાગૂ કરાશે જયાં ૧૦ ટકાથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન જાહેર કરાશે. હાલમાં યૂપી સરકારે શુક્રવાર સાંજથી મંગળવાર સુધી લોકડાઉન જાહેર કર્યું હતું તેને વધારીને હવે ૬ મેની સવારે ૭ વાગ્યા સુધી લંબાવ્યું છે. તો ચંડીગઢમાં પણ ૧૧ મે સુધી લોકડાઉન કાયમ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દર વધારે હોવાથી એક વિશેષ સ્થાન પર સૌથી વધારે દર્દી આવી રહ્યા છે. અહીં દર્દીની સંખ્યા વધારે છે તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે. કેન્દ્રએ રાજય કે જિલ્લામાં લોકડાઉન લગાવવાની સિફારિશ કરી નથી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ૨૫૦ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ૧૦ ટકાથી વધારે છે. જો કે આ સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સરકારે રાજયોને કગ્યું કે નવી રીતે આ જિલ્લાની ઓળખ કરાય અને જે વિસ્તારો પ્રભાવિત છે ત્યાં લગભગ ૧૪ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવે.

મંત્રાલયે બીજી લહેરને નબળી પડવાની શરૂઆતનો સંકેત આપ્યો છે સંક્રમણ રેટમાં ૨૨ રાજયોમાં ૧૫ ટકાથી વધુ કેસ આવી રહ્યા છે. ૯ રાજયોમાં સંક્રમણ રેટ ૫-૧૫ ટકા રહ્યો છે તો ૫ રાજયોમાં તે ફકત ૫ ટકાનો છે. ૫ ટકા વાળા સંક્રમિત વિસ્તારો પર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે.

દેશમાં શુક્રવારે સૌથી વધારે એટલે કે ૪ લાખ કેસ આવ્યા હતા અને ગઈકાલે એટલે કે છેલ્લા ૨૪ કલાકમા ૩,૫૫,૬૮૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે ૩૪૩૬ લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક પણ ૨,૨૨,૩૮૩ સુધી પહોંચ્યો છે.

હાલમાં દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર ૮૧.૭૯ ટકા જોવા મળી રહ્યો છે.૧૦ રાજયોમાં આ ૭૩.૪૯ ટકા દર્દીને હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. દેશમાં પ્રતિદિન સંક્રમણનો રેટ ૨૧.૧૯ ટકા સુધી પહોંચી છે. એક દિવસમાં ૭૪ ટકા કેસમાં ૧૦ રાજયોમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૫૬૬૪૭ કેસ, કર્ણાટકમાં ૩૭૭૩૩ કેસ અને કેરળમાં ૩૧૯૫૯ કેસ જોવા મળી રહ્યા છે.

(10:45 am IST)