Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓનું ૯ સી રિટર્ન ભરવામાં ૧૦ દિવસથી ધાંધિયા

રિટર્ન ભરીને તૈયાર કરાયું પણ અપલોડ નહીં થતાં વેપારીઓ પરેશાન : જવાબદારોને લેખિતમાં ફરિયાદ કરવા છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય

નવી દિલ્હી,તા. ૪: પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓએ ઓડિટ સાથેનું ૯સી રિટર્ન ભરવાનું હોય છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી પોર્ટલ પરથી રિટન જ અપલોડ નહીં થવાને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ માટે જીએસટીની ફરિયાદ નિવારણ શાખાને પણ લેખિતમાં ફરિયાદ કરવા છતાં આજદિન સુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી.

વર્ષ ૨૦૧૯-૨૦માં જે વેપારીનું ટર્નઓવર પાંચ કરોડ કરતાં વધુ હોય તેણે ઓડિટ સાથેનું જીએસટી રિટર્ન ૯સી જીએસટી પોર્ટલ પર અપલોડ કરવાનું હોય છે. જેથી વેપારીઓએ ઓડિટ સાથેનું રિટર્ન અપલોડ કરવા માટે છેલ્લા ૧૦ દિવસ કરતાં વધુ સમયથી પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રિટર્ન જ અપલોડ થતું નથી. વખતોવખત પ્રયાસ કરવા છતાં રિટર્ન  અપલોડ નહીં થવાને કારણે જીએસટી ગ્રીવેન્સ સેલ એટલે કે ફરિયાદ નિવારણ શાખાને આ અંગેની લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમાં ખાસ જણાવ્યું છે કે પોર્ટલ પર ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ૧૦ દિવસથી રિટર્ન ભરતા નથી. જેથી આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા થાય, પરંતુ તે વાતને સમય વીતતો જતો હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેના લીધે વેપારીઓની પરેશાની વધી રહી છે. કારણ કે જીએસટી ઓડિટ સાથેનું વાર્ષિક રિટર્ન અપલોડ થવામાં જેટલા દિવસ મોડું થશે તેટલો દંડ પોર્ટલ દ્વારા વેપારી પાસેથી વસૂલ કરાશે. જેથી પોર્ટલની ખામીને કારણે પણ વેપારીઓએ દંડ ભરવાની નોબત હાલ તો ઊભી થઇ છે.

  • કાયમી બનેલી આ સમસ્યાનું નિરાકરણ જ નથી આવતું

કાયમી બનેલી આ સમસ્યાનું નિરાકરણ જ નથી આવતું જોકે જીએસટી આવ્યા બાદ આ પ્રમાણેની સમસ્યાનો સામનો વેપારી વખતો વખત કરી રહ્યા છે તેમજ તેની અનેક ફરિયાદ કરવા છતાં હજુ પણ સરકારને વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં જ વધુ રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વેપારીઓ પાસેથી દંડ વસુલ થઇ શકે નહીં તેના લીધે વ્યવસ્થા જ ઊભી કરાતી નહીંહોવાનો બળાપો વેપારી ઠાલવી રહ્યા છે.

(10:46 am IST)