Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજકોટ આવતા ત્યારે અકિલા કાર્યાલયની મુલાકાતે જરૂર આવતા

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે દાયકાઓનો નાતો

શ્રી કિરીટભાઇ ગણાત્રા, પ્રખર ઉદ્યોગપતિ શૈલેષભાઇ માકડીયા (રાધે ગ્રુપ) તથા સ્વામી સત્યપ્રકાશ હિમાચલમાં ઓશો નિસર્ગ કમ્યુનમાં મા યોગ નિલમના સાનિધ્યમાં ૧૨ દિવસ રહી ધ્યાન કરેલ

ઓશોના અંગત સચિવ તરીકે વર્ષો સુધી સેવા આપનાર અને હિમાચલ પ્રદેશના ધર્મશાલાના ઓશો નિસર્ગ ફાઉન્ડેશનના સ્થાપક મા યોગ નિલમ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મા યોગ નિલમનો વર્ષો પુરાણો નાતો હતો. તેઓ જયારે પણ રાજકોટ આવતા ત્યારે અકિલા કાર્યાલયની મુલાકાતે જરૂર આવતા હતા. તેઓ જયારે રાજકોટ આવતા ત્યારે અકિલાને આંગણે અચુક શ્રી કિરીટભાઈ ગણાત્રાની લાગણીને પ્રેમ અને આત્મીયતાને વશ થઈ અવશ્ય આવતા. ૨૦૦૭માં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, પ્રખર ઉદ્યોગપતિ શૈલેષભાઈ માકડીયા (રાધે ગ્રુપ) તથા સ્વામી સત્યપ્રકાશ હિમાચલમાં ઓશો નિસર્ગ કમ્યુનમાં માં યોગ નિલમના સાનિધ્યમાં ૧૨ દિવસ રહી ધ્યાન કરેલ. એ વખતે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મા યોગ નિલિમનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. મા યોગ નિલિમના સાનિધ્યમાં ધ્યાન કરવુ એ એક જીવનનો લ્હાવો છે. તેનો બધાને અનુભવ થયો હતો.

નિલમ માને નૃત્ય કરતા જોવા એ અલૌકિક લ્હાવો છે

હિમાચલ પ્રદેશની આ શિબિરના છેલ્લા દિવસે નિલમ માને સ્વામી સત્યપ્રકાશે આગ્રહ કરતા તેમને પગનો દુઃખાવો હતો છતાં નૃત્ય કર્યું... નિલમ માને નૃત્ય કરતા જોવા એ સ્વર્ગિય લ્હાવો છે. પતંગિયાની જેમ ઉડતું અસ્તિત્વ જાણે નૃત્ય કરી રહ્યું હોય તેવું સ્વર્ગિય દૃશ્ય સર્જાયું હતું. સદ્ભાગ્યે મને આ અલૌકિક લ્હાવો મળ્યો હતો... જે જીવનભરનું સંભારણું બની રહ્યું છે.

એક અફસોસ રહી ગયો

આંતર મનની યાત્રા શિબિર દરમિયાન નિલમ મા પાસે જવાનું થતું. જ્યારે ધરમશાલાથી પરત આવવાનું થયું અને માને મળવા ગયો ત્યારે ખૂબ જ ભાવથી તેમણે કહેલ કે 'ફરી બીજી વખત તમે આવશો ત્યારે ઓશોએ આપેલ મહામૂલી ચીજો, તેમના હસ્તાક્ષરમાં લખેલાપત્રો બધું તમને બતાવીશ.' પણ કમનસીબે ત્યારબાદ ફરી કયારેય જવાનું નસીબ ન થયું અને તેમની પાસેનો ખજાનો માણવાનો અમૂલ્ય લ્હાવો ચુકાઇ ગયો, તેનો જીવનભર અફસોસ રહી ગયો છે.

અહીં તમને કોઇ ઓળખતું નથી

ધરમશાલા ખાતેના ઓશો નિસર્ગ આશ્રમમાં પ્રથમ વખત જવાનું થયું ત્યારે શિબિરમાં સવારે ૬-૬ાા વાગે ૧ કલાક ડાયનેમીક મેડીટેશનમાં જવાનું રહેતું. તેમાં નૃત્યનો પણ સમાવેશ થતો. નૃત્ય કરવાનું આવે ત્યારે સહજ સંકોચથી હું ધીમેધીમે હોલની દિવાલ પાસે જઇ ઉભો રહી જતો. નિલમ મા આ બધું જોતા હતા. અને બીજે જ દિવસે નૃત્યના સમયે મારી પાસે આવ્યા. ધીમેથી મને કહ્યું કે કિરીટભાઇ અહીં તમે 'અકિલાવાળા છો' એવું કોઇ ઓળખતું નથી. જેવું આવડે તેવું મન મૂકી નૃત્ય કરો.. સંપૂર્ણ હળવા થઇ અસ્તિત્વ સાથે એકાકાર થઇ જાવ... અને ત્યારથી બધો સંકોચ છૂટી ગયો

(3:33 pm IST)