Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વર્ષે ૧૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતો વિઝા કન્સલ્ટન્ટ ઉદ્યોગ દોઢ વર્ષથી સાવ ઠપ્પ

ગુજરાતમાં છે ૨૦૦૦ થી વધુ એડવાઇઝરો : હાલ છે નવરાધુપ : વિદેશ જવાનું બંધ થતાં આ ઉદ્યોગની માઠી : ઘણાએ ઓફીસો બંધ કરી

નવી દિલ્હી,તા. ૪ : ગુજરાતમાંથી જે રીતે પાસપોર્ટ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં અરજીઓ આવતી હોય છે તેવી જ રીતે ગુજરાતમાંથી વિદેશ જવા વાળા લોકોની સંખ્યાપણ ખૂબ જ મોટી છે. સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા, વિઝટર વિઝા, સહિત કોઈપણ પ્રકારના કામ માટે લોકોને માર્ગદર્શન આપતા વિઝા કન્સલટન્ટ છેલ્લા દોઢ વર્ષ સુધી લગભગ નવરાધૂપ થઇ ગયા છે. કોરોનાને કારણે દુનિયાભરના દેશોમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ લગભગ બંધ છે. ગણતરીના દેશમાં માત્ર સ્ટુડન્ટ વિઝા કે પીઆર વિઝા માટે એન્ટ્રી મળી રહી છે. આ પરિસ્થિતિને કારણે અમદાવાદમાં ધમધમતી ૫૦૦થી વધુ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ બંધ થઈ ગઈ છે અથવા તો માત્ર સંચાલકો દિવસ દરમિયાન બેસીને પડતર  કામ કરી રહ્યાં છે.

ભારતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓમાં ગુજરાતના વિધાર્થીઓની સંખ્યા સૌથી વધારે  હોય છે. વિદ્યાર્થીઓને વિઝા મેળવવા વિદેશની  યુનિવર્સિટીમાં એડમિશન ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા સહિતની કામગીરી માટે વિઝા કન્સલ્ટન્ટ  રોકવા પડ્તા હોય છે. આ ઉપરાંત બિઝનેસ કે  વિઝિટર વિઝા માટે કે અન્ય પ્રકારે પણ વિદેશ જવા માટે લોકોને વિઝા કન્સલ્ટન્ટ જરૂરી માર્ગદર્શન આપતા હોય છે.

ગુજરાતમાંથી વિદેશ જવા વાળા લોકોની  સંખ્યા વધતા માત્ર અમદાવાદમાં ૫૦૦ સહિત  ગુજરાતભરમાં ૨૦૦૦થી વધુ વિઝા એડવાઈઝરનીઓફિસો ધમધમતી હતી. ઉનાળામાં તો વિઝિટર  વિઝા ઉપર બહાર ફરવા જવા માટે લોકોની લાઇનો  લાગી જતી. ગત વર્ષે માર્ચ મહિનામાં દેશમાં  કોરોનાની એન્ટ્રી થતાં સરકારે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્થગિત કરાવી દીધી. જેના કારણે વિદેશ જવાનું બંધ થઈ ગઈ ગયું. વિદેશ જવાનું જ બંધ થઇ જતાં વિઝા કન્સલ્ટન્ટ પાસે પણ કામ આવતું બંધ થઈ ગયું.

વર્ષે દહાડે ૧૫૦૦ કરોડનો ધંધો કરતા આ વિઝા કન્સલ્ટન્ટ અત્યારે કોઈપણ પ્રકારની આવક વગર બેસી રહ્યાં છે. વિઝા કન્સલ્ટન્ટએ પોતાની ઓફિસ બંધ કરી દીધી છે. ઘણાંની બે-ચાર બ્રાન્ચ હતી તે બ્રાન્ચ ઘટાડી દેવામાં આવી છે તો કામકાજને અભાવે ઘણી ઓફિસમાંથી કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. કોરોનાનું જોર થોડું ઘટતા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇંગ્લેન્ડમાં સ્ટુડન્ટ વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાની કામગીરી શરૂ થઈ હતી, પરતુ ફરીથી કોસોનાનું જોર વધતાં હાલ લગભગ તમામ દેશોમાં ભારતથી આવતા વિમાન પર રોક લગાવી દેવામાં આવી છે. જેને કારણે વિઝા કન્સલ્ટન્ટ અને વિઝા એડવાઈઝર તરીકે કામ કરતા લોકોને કામ વગર બેસી રહેવું પડે તેવો ઘાટ થયો છે.

(10:33 am IST)