Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કાલે સરકારી ઓફિસો ચાલુઃ સોમવારથી ૧૦૦ ટકા સ્ટાફનો અમલ

રાજ્યમાં કોરોનાએ વિસામો લેતા રાજ્ય સરકાર દ્વારા જનજીવન રાબેતા મુજબનું કરવા કવાયતઃ સરકારી અને ખાનગી ઓફિસોમાં સોમવારથી ૧૦૦ ટકા સ્ટાફને મંજુરી : આજથી વેપાર-ધંધાને પણ વધુ છૂટછાટોઃ સાંજે ૬ સુધી દુકાનો ચાલુ રાખી શકાશેઃ રાત્રી કર્ફયુ યથાવતઃ ૨૭મીએ માહિતી ખાતાની પરીક્ષા પણ યોજાશે

અમદાવાદ, તા. ૪ :. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી હોવાથી રૂપાણી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

આજે મુખ્યમંત્રી રૂપાણીએ નિર્ણયની જાણ કરતા જણાવ્યુ હતુ કે સોમવાર તા. ૭મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા ખાનગી ક્ષેત્રની ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારની તમામ કચેરીઓ આવતીકાલે શનિવારે ૫ જૂનના રોજ કાર્યરત એટલેે કે ખુલી રહેશે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને તે સંદર્ભે સરકારે આજથી નાઈટ કર્ફયુ યથાવત રાખી દિવસમાં વેપાર-ધંધાના કલાકો વધારી દીધા છે જે હેઠળ આજથી રાજ્યના ૩૬ શહેરોમાં દુકાનો સવારે ૯ થી સાંજે ૬ સુધી ખુલી રહી શકશે.

આજે રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય લઈ સરકારી અને ખાનગી ઓફિસોમાં હવે ૧૦૦ ટકા સ્ટાફને કામ કરવા મંજુરી આપી છે. સોમવારથી ગુજરાતની તમામ ઓફિસો સંપૂર્ણ કાર્યક્ષમતા કામ કરતી થઈ જશે.

રાજ્યમાં કોરોનાએ વિસામો લેતા સરકાર જનજીવન થાળે પાડવાની કવાયતમાં છે જે હેઠળ આજે સરકારે ૧૦૦ ટકા સ્ટાફ અને માહિતી ખાતાની પરીક્ષાઓ લેવાનો નિર્ણય લીધો હતો.

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક વર્ગ-૨ અને સિનીયર સબ એડીટર, વર્ગ-૩ની અને નાયબ માહિતી નિયામક વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-૨ની પ્રિલી. પરીક્ષા ૨૭ જૂનના રોજ સવારે ૧૦ કલાકે યોજાશે. વધુ માહિતી માટે વેબસાઈટ પર જવા જણાવાયુ છે.

અત્રે એ નોંધનીય છે કે ઓફિસોમાં સંક્રમણ વધી જતા ૫૦ ટકા કર્મચારીઓને ફરજ પર આવવા અગાઉ જણાવાયુ હતુ પરંતુ હવે સ્થિતિ થાળે પડતા સરકાર જનજીવન સામાન્ય બનાવી રહી છે.

(3:10 pm IST)