Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઇ-ચલણનો દાયરો વધશે : ન્‍યુનત્તમ ટર્નઓવરની સીમા ૫ કરોડ થશે : હાલ ૨૦ કરોડની મર્યાદા છે

કરચોરી રોકવા અને સરળીકરણ માટે આ પગલુ ભરાશે

નવી દિલ્‍હી તા. ૪ : સરકાર ઇ-ઇન્‍વોઇસનો વ્‍યાપ વધારવાની યોજના બનાવી રહી છે. આના માટે વાર્ષિક બીઝનેસની લીમીટ આ નાણાંકીય વર્ષ દરમિયાન ૫ કરોડ રૂપિયાની કરી શકાય છે. જીએસટી સીસ્‍ટમ હેઠળ અત્‍યારે ૨૦ કરોડ અથવા તેનાથી વધારે રૂપિયાનો બીઝનેસ કરનાર માટે ઇ-ઇન્‍વોઇસ ફરજીયાત છે.

આ યોજના અંગે માહિતી ધરાવતા એક સરકારી અધિકારીએ કહ્યું કે, ટેક્ષ ચોરી અટકાવવા અને અનુપાલનને સરળ બનાવવા માટે હવેના તબક્કામાં આવું થઇ શકે છે. આ તબક્કામાં સરકાર પહેલા ૧૦ કરોડ અથવા તેનાથી વધારે બીઝનેસ વાળા એકમો માટે ઇ-ઇન્‍વોઇસ ફરજીયાત કરશે અને પછી ૫ કરોડ અથવા તેનાથી વધારે વાર્ષિક બીઝનેસ વાળા એકમો માટે તે લાગુ કરાશે.

આ પગલાનો ઉદ્દેશ, મોટા પ્રમાણમાં બીઝનેસનો ડીજીટલ રેકોર્ડ રાખવાનો, વેચાણની માહિતીમાં પારદર્શકતા લાવવાનો, વિસંગતિઓ અને ખામીઓ ઘટાડવાનો, ડેટા એન્‍ટ્રી વર્કને ઓટોમેટીક બનાવવાનો અને અનુપાલનમાં સુધારો લાવવાનો છે. એક અધિકારીએ કહ્યું, ‘અમે મોટી સંખ્‍યામાં સોદાઓ માટે ઇ-ઇન્‍વોઇસનું માળખું તૈયાર કરી રહ્યા છીએ કેમકે અમે ઇ-ઇન્‍વોઇસ માટે વાર્ષિક બીઝનેસની લીમીટ ૨૦ કરોડથી ઘટાડીને ૧૦ કરોડ રૂપિયા અને પછી ૫ કરોડ કરવા માંગીએ છીએ.' ઇ-ઇન્‍વોઇસની સુવિધા પ્રદાન કરતું જીએસટી નેટવર્ક ત્રણ ચાર મહિનામાં આગામી તબક્કા માટે તૈયાર થઇ જશે. તેમણે કહ્યું કે, કરદાતાઓને નવા માપદંડના પાલન માટે પુરતી મુદ્દત આપવામાં આવશે.

ઇ-ઇન્‍વોઇસ વ્‍યવસ્‍થા ઓકટોબર ૨૦૨૦માં શરૂ કરાઇ હતી અને ૫૦૦ કરોડ અથવા તેનાથી વધારે રૂપિયાનો વાર્ષિક બીઝનેસ કરતા એકમો માટે તેને ફરજીયાત કરાયું હતું. પછી આ લીમીટ ઘટાડીને ૧૦૦ કરોડ રૂપિયા અને પછી ૫૦ કરોડ રૂપિયા કરી દેવાઇ હતી. અત્‍યારે આ લીમીટ ૨૦ કરોડ રૂપિયા છે.

(10:15 am IST)