Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હિન્‍દુ સમુદાયમાં ધાર્મિક પર્વોની મોસમ શરૂઃ દિવાળી સુધી દર ચાર દિવસે એક તહેવાર

અષાઢી બીજથી હિન્‍દુ પર્વોની વણઝારઃ ૧૧૮ દિવસમાં ૨૯ તહેવાર ઉજવાશે : જુલાઇમાં સૌથી વધારે ૯ પર્વો, ઓગસ્ટમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવની રોનક દેખાશે

નવી દિલ્‍હી, તા.૪: હિન્‍દુ સમુદાયમાં આગામી જુલાઈ માસથી ધાર્મિક પર્વોની મોસમ શરૂ થશે. દરમિયાન ઓક્‍ટોબર માસમાં દિવાળી સુધીના ૧૧૮ દિવસમાં ર૯ તહેવારની ઉજવણી થશે. હિન્‍દુ સમુદાયના સૌથી મોટા અને દિપોત્‍સવી પર્વ એવા દિવાળી સુધી દર ચોથા દિવસે એક તહેવાર ઉજવાશે. જુલાઇ માસમાં સૌથી વધારે ૯ પર્વોની ઉજવણી થશે. જ્‍યારે ઓગસ્‍ટ માસમાં રક્ષાબંધન. જન્‍માષ્ટમી, ગણેશોત્‍સવની રોનક દેખાશે.

નોંધનીય છે કે, જુલાઈ માસમાં હિન્‍દુ ચાતુર્માસ શરૂ થવાની સાથે જ નાના-મોટા પર્વોની ઝાકમઝોળ પણ શરૂ થઇ જાય છે. દર વર્ષે જુલાઇથી નવેમ્‍બર સુધીના સમયગાળામાં જ હિન્‍દુ સમુદાયના મહત્ત્વના અને મોટા પર્વોની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શિવની આરાધનાના મહત્ત્વના અવસર એવા શ્રાવણ માસથી લઇને રક્ષાબંધન, જન્‍માષ્ટમી ગણેશોત્‍સવ, નવરાત્રી, દિવાળી જેવા પર્વો આ ચાર મહિના દરમિયાન જ ઉજવવામાં આવે છે. તેમાં પણ અષાઢી બીજ સાથે પર્વોનો આરંભ થઈ જતો હોવાનું માનવામાં આવે છે. અષાઢી બીજથી લઇને દિવાળી સુધીમાં જ મોટા ભાગના પર્વોની ઉજવણી થાય છે. આ વર્ષે ર૪ ઓક્‍ટોબરે દિવાળી, ૨૫મીએ નૂતન વર્ષ અને ૨૬મીએ ભાઇબીજ પર્વે છે. ત્‍યાં સુધીના ૧૧૮ દિવસમાં ૨૯ પર્વો આવશે. જયારે ઓગષ્‍ટમાં ૬, સપ્‍ટેમ્‍બરમાં ૫ અને ઓકટોબરમાં ૮ પર્વોની ઉજવણી થશે.

 

ર૦ર૩માં અધિક માસને પગલે આ વર્ષે પર્વો ૧૦ દિવસ વહેલા

હિન્‍દુ સમુદાયમાં દર ત્રણ વર્ષે આવતા અધિક માસને લઇ પર્વોની તારીખમાં ફેરફાર જોવા મળે છે. દરમિયાન ર૦ર૩ની સાલમાં જુલાઇ-ઓગસ્‍ટ માસમાં અધિક માસ આવી રહ્યો છે. જેને કારણે આ વર્ષે જુલાઇ થીઓક્‍ટોબર સુધીના તમામ તહેવારો ૧૦ દિવસ વહેલા આવશે. ગત વર્ષે ૪ નવેમ્‍બરના રોજ દિવાળી પર્વની ઉજવણી થઇ હતી. તે સામે આ વર્ષે ૧૦ દિવસ પહેલા ર૪ ઓક્‍ટોબરે દિવાળીની રંગારંગ ઉજવણી થશે. આ સાથે જ જન્‍માષ્ટમી, રક્ષાબંધન, ગણેશોત્‍સવ અને નવરાત્રી સહિતના તમામ પર્વોની અંગ્રેજી કેલેન્‍ડર પ્રમાણે તારીખ ૧૦ દિવસ પહેલા આવશે.

 

દિવાળી સુધીના પર્વોની એક ઝલક

જુલાઇઃ  મોળાક્‍ત વ્રતારભ, દેવપોઢી એકાદશી, જયાપાર્વતી વ્રતારંભ, ગુરૂપૂર્ણિમા, જયાપાર્વતી વ્રતનું જાગરણ, દિવાસો જાગરણ, શિવપૂજાનો આરંભ, ફૂલડા ત્રીજ, આગસ્‍ટઃ રક્ષાબંધન, સંકષ્ટ ચતુર્થી, શીતળા સાતમ, જન્‍માષ્ટમી, કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, સપ્‍ટેમ્‍બરઃ ઋષિ પાંચમ, આનંદ ચતુર્દશી, શ્રાદ્ધ પક્ષ શરૂ, સર્વપિત્રુ અમાસ, શારદીય નવરાત્રી પ્રારંભ ઓક્‍ટાબરઃ  વિજયા દશમી, શરદ પળ્‌ણિમા, ધનતેરસ, ચૌદશ, દિવાળી, દર્શ અમાસ, નૂતન વર્ષ, ભાઇ બીજ.

(11:37 am IST)