Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હા... મહારાષ્‍ટ્રમાં ‘ઇડી'ની સરકાર છે

E (એકનાથ શિંદે) D (દેવેન્‍દ્ર ફડણવીસ)ના કારણે જ મહારાષ્‍ટ્રમાં સરકાર બની છેઃ ફડણવીસ

મુંબઇ તા. ૪ : મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીત્‍યા બાદ ડેપ્‍યુટી સીએમ દેવેન્‍દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે એ વાત પર નારાજગી વ્‍યક્‍ત કરી કે વિધાનસભામાં મતદાન દરમિયાન ED-ED (એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ) ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. દેવેન્‍દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું, ‘હા, મહારાષ્ટ્રમાં EDની મદદથી સરકાર બની છે. આમાં E એટલે એકનાથ શિંદે અને D એટલે દેવેન્‍દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે આજે વિશ્વાસ મત જીત્‍યો હતો. તેમના સમર્થનમાં ૧૬૪ વોટ પડ્‍યા હતા. બીજી તરફ શિંદેની વિરુદ્ધ ૯૯ મત પડ્‍યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પર મતદાન દરમિયાન થોડો હંગામો થયો હતો. અહીં, જયારે ધારાસભ્‍ય પ્રતાપ સરનાયકે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું, ત્‍યારે ઉદ્ધવ જૂથે ED-EDના નારા લગાવ્‍યા. આનો બદલો દેવેન્‍દ્ર ફડણવીસે લીધો હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસે પણ કહ્યું કે મેં કહ્યું હતું કે હું પાછો આવીશ, પરંતુ જયારે મેં આવું કહ્યું ત્‍યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી. હું આજે પાછો આવ્‍યો છું અને તેમને (એકનાથ શિંદે) મારી સાથે લાવ્‍યો છું. જેમણે મારી મજાક ઉડાવી છે તેમની સામે હું બદલો નહીં લઈશ.

દેવેન્‍દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે ૨૦૧૯માં તેમના ગઠબંધનને સરકાર બનાવવા માટે નંબર મળ્‍યો. પરંતુ તેમને સત્તાથી દૂર રાખવામાં આવ્‍યા હતા. પરંતુ હવે એકનાથ શિંદે સાથે અમે ફરી શિવસેના સાથે મળીને સરકાર બનાવી છે. એક સાચા શિવસૈનિકને મુખ્‍યમંત્રી બનાવવામાં આવ્‍યા છે. પાર્ટી કમાન્‍ડના કહેવા પર મેં ડેપ્‍યુટી સીએમનું પદ સંભાળ્‍યું છે.

શિંદે કેમ્‍પ માટે આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ પણ કેટલીક નવી બાબતો લઈને આવ્‍યું છે. શિવસેનાના ધારાસભ્‍ય સંતોષ બાંગરે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું. તેઓ ગઈકાલ સુધી ઉદ્ધવ છાવણીમાં હતા, સ્‍પીકરની ચૂંટણીમાં પણ તેમણે શિંદે કેમ્‍પના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું હતું.

(3:45 pm IST)