Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આઝામ ખાનની પત્ની અને પુત્રને ઈડીએ સમન્સ પાઠવ્યા

સમાજવાદી પાર્ટીના નેતા પર કસાતો સકંજો : પુત્ર-પત્નીને ૧૫ જુલાઈ પહેલા લખનૌમાં ઈડીના ઝોનલ હેડક્વાર્ટરમાં અલગ-અલગ તારીખે હાજર થવા કહેવાયું

લખનૌ, તા.૪ : સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સપા ધારાસભ્ય (આઝમ ખાન) પર હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સકંજો કસવાનું શરૃ કરી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રામપુરમાં જૌહર યુનિવર્સિટી કેસમાં ઈડીએ આઝામ ખાનની પત્ની તાઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સમન્સ પાઠવ્યા છે.

ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર, આઝમ ખાનની પુત્ર અને પત્નીને ૧૫ જુલાઈ પહેલા લખનૌમાં ઈડીના ઝોનલ હેડક્વાર્ટરમાં અલગ-અલગ તારીખે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા ઈડીએ આઝમ ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. જેના પર ઈડીએ કાર્યવાહી તેજ કરી છે. ઈડીની ૨ સભ્યોની ટીમ સીતાપુર જેલમાં આઝમ ખાનની મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી.

જૌહર યુનિવર્સિટીના નામે ફંડ એકત્ર કરવા અને નાણાં ટ્રાન્સફર કરવા અંગે પૂછપરછ કરશે. જૌહર યુનિવર્સિટી કેસમાં આઝમ વિરુદ્ધ ઈડીએ ૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. રામપુરની જૌહર યુનિવર્સિટી કેસમાં ઈડીએ આઝમની પત્ની તાઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. જૌહર યુનિવર્સિટીના નિર્માણ માટે મોટાપાયે ફંડ ટ્રાન્સફર તેમજ આઝમ સામે નોંધાયેલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ તેમની સઘન પૂછપરછ થવાની છે.

આ સિવાય આઝમની જમીન વેપારના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. જેના કારણે આઝમ ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

હાલમાં જ આઝમ ખાન પેરોલ પર જેલમાંથી છુટ્યા છે. આઝમ યુપીની સીતાપુર જેલમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦થી બંધ હતા. વર્ષ ૨૦૧૭માં યુપીમાં યોગી સરકારના આગમન બાદ આઝમ ખાન સામે એવા કાયદા આકરા થયા કે  બાદમાં ૮૯ કેસ નોંધાયા હતા.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આઝમની રામપુરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦થી સીતાપુર જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.

(8:01 pm IST)