Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડાપ્રધાનનાં હવાઈ કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાવવા કોંગ્રેસના કાર્યકરોને ભારે પડ્યું : કાર્યકરોને જેલ જવાનો વારો આવ્યો

કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન સામે વિરોધ નોંધાવવા હેલિકોપ્ટરના કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાવતા સુરક્ષામાં ભંગ બદલ ત્રણની અટકાયત

આંધ્રપ્રદેશ તા. 04 : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. ત્યારે વિજયવાડા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન સામે વિરોધ નોંધાવવા અનોખી રીત અપનાવી હતી, કાર્યકારોએ વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરના કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાડ્યા હતા. જે મામલાને પોલીસે પીએમની સુરક્ષામાં ભંગ સાથે જોડી ત્રણ કાર્યકરોની ધરપકડ કરી છે.

વિજયવાડા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરના કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાડ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલાને પીએમની સુરક્ષામાં ભંગ સાથે જોડી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત પોલીસે ત્રણ કાર્યકરોની ધરપકડ પણ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાત લીધી હતી. અને ભીમાવરમમાં સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની  ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સીતારામ રાજુની 30 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પછી વડાપ્રધાને બધાને સંબોધિત પણ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, દેશના સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ અમુક વર્ષો કે અમુક લોકો પૂરતો સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનનો ઈતિહાસ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ તેમજ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી આ બલિદાનનો ઈતિહાસ છે. તેમના સંબોધન પછી, વડાપ્રધાન આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની નેપાસાલા કૃષ્ણ મૂર્તિના પરિવારને પણ મળ્યા હતા. વડાપ્રધાન સ્વતંત્રતા સેનાનીની પુત્રી પાસાલા કૃષ્ણ ભારતીજીને મળ્યા અને મંચ પરથી નીચે આવીને તેમના ચરણ સ્પર્શ કર્યા.

(8:22 pm IST)