Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બેયરસ્ટો-રૂટની શાનદાર બેટિંગ :ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત : જીતવા માટે 119 રનની જરૂર :ભારતના બોલરો પર મદાર

ભારત સામે ચોથા દિવસની રમતના અંતે.ઇંગ્લેન્ડે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા: જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ:બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી

બર્મિંગહામ ટેસ્ટ મેચમાં ભારત સામે ચોથા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડને જીતવા માટે 119 રનની જરૂર છે.ઇંગ્લેન્ડે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ છે. આ બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાને કોઈપણ ભોગે મેચના અંતિમ દિવસે વહેલી વિકેટ લેવાની જરૂર પડશે.

ભારતના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે ચોથા દિવસની રમત પૂરી થવા સુધી 3 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઓપનર એલેક્સ લીસ અને જેક ક્રાઉલી વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. ક્રાઉલી 7 ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે લીસે 65 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ઓલી પૉપ ખાતું પણ ખોલી શક્યો ન હતો અને આઉટ થયો હતો. તેને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો.

ઇંગ્લેન્ડ માટે ચોથા દિવસે રૂટ અને બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રૂટે 112 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા. જ્યારે બેયરસ્ટોએ 87 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરવા માટે મેચના અંતિમ દિવસના પહેલા સેશનમાં વિકેટ લેવી પડશે. ભારત તરફથી ચોથા દિવસની રમતના અંત સુધીમાં જસપ્રિત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. તેણે 13 ઓવરમાં 53 રન આપ્યા હતા. આ સિવાય બીજી ઈનિંગમાં કોઈ બોલર વિકેટ લઈ શક્યો નથી.

બર્મિંગહામ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 245 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે ટીમ માટે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. પૂજારાએ 168 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. જ્યારે પંતે 86 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલીએ 20 રનનું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારી 11 રન બનાવીને આઉટ થયો હતો.

(12:48 am IST)