Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ચીનને તેના ઘરમાં જ પડકાર આપશે ભારતીય નૌસેના: ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સી માં મોકલશે

બે મહિના સુધી સાઉથ ચાઈના-સી અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેશે.

નવી દિલ્હી :  ચીનને તેના જ ઘરમાં પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ થયું છે. ભારતીય નૌસેના ચાર યુધ્ધ જહાજો સાઉથ ચાઈના-સી માં મોકલશે. અને બે મહિના સુધી સાઉથ ચાઈના-સી અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેશે.

લદ્દાખ મોરચે તનાવ સર્જનાર ચીનને પડકાર ફેંકવા માટે ભારતીય નૌસેનાએ સાઉથ ચાઈના-સી માં ચાર યુધ્ધ જહાજો મોકલીને શક્તિ પ્રદર્શન કરશે.

ભારતીય જહાજો વિયેટનામ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપિન્સના યુધ્ધ જહાજો સાથે યુધ્ધા અભ્યાસ કરવાના છે. આ તમામ દેશો સાથે ચીનને સાઉથ ચાઈના સીમાં વિવાદ ચાલી રહ્યા છે. ભારત દ્વારા જે યુધ્ધ જહાજો મોકલવામાં આવશે તેમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ, એન્ટી સબમરિન જહાજ પણ સામેલ છે. આ જહાજો એવા સમયે સાઉથ ચાઈના સીમાં જઈ રહ્યા છે. જ્યારે તાઈવાન પર ચીનના હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ચીનના આક્રમક વલણથી સાઉથ ચાઈના-સી માં તેના પાડોશી દેશો પરેશાન છે. આ કારણોસર સાઉથ ચાઈના સીમાં વિવિધ દેશોની નૌસેનાની હિલલચાલ વધી છે. અહીંયા ચીનની નૌસેના સમયાંતરે અભ્યાસ કરતી હોય છે. ચીનનો સાઉથ ચાઈના સી પર તેમનો હક છે તેવો દાવો કરે છે. આ દાવાના સમર્થનમાં તે અહીંયા કૃત્રિમ ટાપુઓ પણ બનાવી ચુકયુ છે. જ્યાં ભારે હથિયારો અને વિમાનો પણ તૈનાત કર્યા છે.

જાણકારોનુ માનવુ છે કે, સાઉથ ચાઈના સીમાં ભારતીય યુધ્ધ જહાજો વિવાદીત ટાપુઓથી ભલે દુર રહે પણ ચીનને સંદેશ આપવા માટે આ વિસ્તારમાં ભારતીય યુધ્ધ જહાજોની એન્ટ્રી જ કાફી છે. સાથે સાથે ભારતના આ પગલાથી ચીન ભડકશે તેવુ પણ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.

(12:51 am IST)