Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

માતા પિતાના ઝઘડામાં લેવાયો ૮ મહિનાની બાળકીનો ભોગ

દીકરીને જમીન પર પછાડતા દીકરી મોતને ભેટી

લખનૌ,તા. ૪ : અવારનવાર સામાન્ય બાબતે શરુ થયેલ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને અંતે પસ્તાવાનો વારો આવે છે. પરંતુ, અમૂક વ્યકિત તેમના ગુસ્સા પર કંટ્રોલ ન મેળવી શકતા અંતે મોટી મુશ્કેલીનો ભોગ બનતા હોય છે. ઉત્ત્।રપ્રદેશના રાહતપુર ખુર્દ ગામમાં બનેલી એક ઘટનામાં પતિ અને પત્ની વચ્ચે શરૂ થયેલ ઝઘડાએ મોટું સ્વરૂપ લેતા, પતિએ ગુસ્સમાં ૦૮ મહિનાની દીકરીને જમીન પર વારંવાર પછાડતા તેનું મોત નીપજયું હતું

છેલ્લાં દોઢ વર્ષથી પરણિત આ કપલ વચ્ચે અનેક વાર પૈસા અને પતિની દારૂની લતના કારણે ઝઘડા થતાં હતા અને થોડા દિવસ પહેલા આ શખ્સની પત્ની ઝઘડાથી કંટાળી તેના પિતાના ઘરે પિયર પહોંચી હતી અને ફરી પાછી તેના પતિ પાસે નહિ આવે તેમ કહ્યું હતું. પરંતુ, ૩૧ જુલાઈના રોજ મહિલાનો પતિ તેની પત્ની પાસે બાળકી મંગાવા માટે તેના ઘરે દારૂ પીને પહોંચ્યો હતો અને ત્યાં માથાકૂટ શરુ કરી હતી. દીકરીનો કબ્જો માંગ્યા બાદ, પત્નીએ ના પાડતા, ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

દારૂના નશામાં અંધ અને ગુસ્સામાં પતિના માથે સવાર થયેલ હેવાન એટલો હાવી થઇ ગયો હતો કે તેને તેની પુત્રી વિશે પણ ખ્યાલ ન રહ્યો અને તેણે પુત્રી જીવ ન ગુમાવી ત્યાં સુધી સતત જમીન પર પટકી હતી અને નાનકડી ફૂલ સમાન ૮ મહિનાની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બાદ, પત્ની દોડીને પુત્રીને ડોકટર પાસે લઇ જતા તેમણે બાળકીને મૃત જાહેર કરી હતી અને પત્નીએ પતિના આ કૃત્ય બાદ, તેની સામે ફરિયાદ નોંધાવી હતી અને રવિવાર સવારે પોલીસે પતિની ધરપકડ કરી હતી.

(10:21 am IST)