Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દરેક કેસમાં અપિલનું વલણ રોકવું પડશે

ફાલતુ અરજીઓના ઢગલાથી સુપ્રીમ કોર્ટ નારાજ

આગોતરા જામીનની અરજીઓના ઢગલા થાય છે, જુના કેસ કેમ ચલાવવા

નવી દિલ્હી, તા.૪: દરેક કેસમાં ફાલતુ અરજીઓના પુર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે. તુચ્છ અને ફાલતુ અરજીઓથી પરેશાન સુપ્રીમ કોર્ટે ગઇકાલે કહયું કે આપણે બધા સામુહિક રીતે ન્યાય પ્રણાલીને મજાક બનાવી રહયા છીએ.

આ પ્રકારની અરજીઓના કારણે અમને એ કેસો પુરા કરવામાં તકલીફ ઉભી થાય છે, જેમને પુરા કરવા જરૂરી છે અને લોકો લાંબા સમયથી વલણને નિરૂત્સાહી કરવું પડશે.

જસ્ટીસ સંજય કિશન કૌલ અને જસ્ટીસ ઋષિકેષ રોયની બેંચે કહયું કે એક સામાન્ય માણસને અમારી બારીકીઓમાં કે મોટા મોટા કાયદાકીય સિધ્ધાંતોમાં કોઇ રસ નથી, જેની આપણે સતત વાતો કરતા રહીએ છીએ. એક ફરીયાદી તો એ જાણવા ઉત્સુક હોય છે કે તેના કેસમાં કોઇ દમ છે કે નહીં અને એ જાણવા માટે તે અનિશ્ચીત સમય સુધી રાહ નથી જોવા માંગતો કે સાચો હતો કે નહીં. જો ચુકાદો આવવામાં ૧૦ અથવા ૨૦ વર્ષ લાગે તો તે ચૂકાદાનો અર્થ શું રહેશે.

જસ્ટીસ કૌલે કહયું કે સુપ્રીમ કોર્ટમાં અમે જોયું છે કે દિવાની કેસો ૪૫ વર્ષથી ચાલતા હતા. અમે આ પ્રકારના જૂના કેસો પણ પુરા કરી રહયા છીએ. બેંચે કહયું કે જો સુપ્રીમ કોર્ટની ઉપર પણ કોઇ કોર્ટ હોત તો કદાચ દરેક કેસમાં અમારા ચુકાદા વિરૂધ્ધ પણ અપીલ કરાતી હોત. આપણે કયાંક તો રોકાવું જ પડશે.

જસ્ટીસ કૌલે કહયું કે અમારા પર આગોતરા જામીન, જામીન, વચગાળાની રાહત વગેરે વિવિધ પ્રકારની અરજીઓના 'બોમ્બમારો' થતો રહે છે અને તેના કારણે અમને જૂના કેસો પુરા કરવા માટે સમય જ નથી મળતો.

(11:33 am IST)