Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અભિષેક બેનર્જીના કાફલા ઉપર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી

ધારાસભ્ય ઉદયન ગુહાએ કહ્યું- ત્રિપુરાની ઘટના બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવશે.

કોલકતા :તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીના કાફલા પર હુમલો થયા બાદ TMC ધારાસભ્યએ બંગાળમાં ભાજપના કાર્યકરો અને નેતાઓને  ધમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રિપુરાની ઘટના બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના મહા સચિવ અભિષેક બેનર્જીના કાફલા પર સોમવારે ત્રિપુરામાં  હુમલો થયો હતો. તેના એક દિવસ બાદ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને ધમકી આપી છે. જો કે ભાજપે આ માટે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહા સામે કાર્યકરો અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ધમકી આપવા બદલ કાર્યવાહી કરવાની માગ કરી છે.

ધારાસભ્ય ઉદયન ગુહાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ત્રિપુરાની ઘટના બાદ દિનહાટામાં ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવશે. જો કે આ પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો. ઘણા લોકોએ ધારાસભ્યની ટીકા કરી અને ઘણાએ TMC ને ટેકો આપ્યો. પોસ્ટ પર હંગામો થયા બાદ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પોસ્ટમાં કોઈ પર હુમલો કરવા વિશે કંઈ લખ્યું નથી.

 

માહિતી અનુસાર, મે મહિનામાં મતદાન બાદ થયેલી હિંસા દરમિયાન ગુહાને હાથમાં ઈજા થઈ હતી. આપને જણાવવું રહ્યું કે, ઉદયન ગુહા ડાબેરી નેતા કમલ ગુહાના પુત્ર છે. TMC ની પોસ્ટ બાદ નટબારીના ભાજપના ધારાસભ્ય મિહિર ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, અમે ઉદયન ગુહા સામે કેસ નોંધવાની અને કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

ગોસ્વામી સાથે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૃષિ મંત્રી શોભનદેવ ચટ્ટોપાધ્યાય પણ સમર્થનમાં આવ્યા હતા. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ગુહા ભાજપના કાર્યકરોની સંભાળ લેવાની અને તેમની સાથે શાંતિપૂર્ણ રહેવાની વાત કરી રહ્યા હતા.  તેઓ એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે દિનહાટામાં કોઈ પણ કાર્યવાહીમાં ભાજપના એક પણ સભ્યને નુકસાન પહોંચાડવામાં આવશે નહિ.

(1:05 pm IST)